જામનગર શહેરના ગુલાબનગરમાં આવેલા અખાડા ચોકમાં રહેતી મહિલા સંચાલિત જૂગાર સ્થળે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.54,900 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ચાર મહિલાઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.10,100 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જોડિયા તાલુકાના પીઠડ ગામમાં તીનપતિ રમતા ત્રણ શખ્સોને રૂા.6280 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા અખાડા ચોકમાં રહેતી મહિલા દ્વારા તેના મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી જૂગાર રમાડતી હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન સંચાલક મહિલા સહિત ત્રણ મહિલાઓને રૂા.54,900 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આંબાવાડી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા વિજય બાબુ સોલંકી, ભૂપત નાગજી વિકાણી, ચીનુ નાગજી વિકાણી નામના ત્રણ શખ્સોને રૂા.10100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે મેઘપર પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જોડિયા તાલુકાના પીઠડ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા આમિન ઉર્ફે કાસમ અબ્રાહમ કમોરા, હરજી ઉર્ફે હરી જેઠા પડાયા, ગેલા ગોવિંદ પડાયા નામના ત્રણ શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.6280 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.