ચારધામ પૈકીના દ્વારકા યાત્રાધામમાં જાહેરમાં ખડકાયેલી નોનવેજની લારીઓ દૂર કરવા માટે શારદાપીઠના સ્વામી નારાયણનંદજી તથા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ માગણી કરી છે. આ અંગે તુરંત એકશન લેવા સંબંધિત તંત્રોને રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટથી શરુ થયેલી નોનવેજ લારીઓ સામેની ઝુંબેશ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પ્રસરી છે. યાત્રાધામ દ્વારકામાં જાહેર માર્ગો પર ખડકાયેલી નોનવેજની લારીઓના કારણે અહીં આવતાં શ્રધ્ધાળુઓની લાગણી દુભાતી હોય, આવી લારીઓ જાહેર માર્ગો પરથી દૂર કરી અન્યત્ર ખસેડવા શારદા પીઠના સ્વામી નારાયણનંદજીએ લેખિત રજૂઆત કરી છે. આ અંગે તેમણે ગઇકાલે દ્વારકામાં પત્રકાર પરિષદ પણ યોજી હતી. નારાયણનંદજીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, દ્વારકા હિન્દુ ધર્મના ચારધામ પૈકીનું એક હોય, અહીં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવે છે. દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ તેઓ રૂક્ષ્મણી માતાના મંદિરે પણ દર્શન કરવા જાય છે. પરંતુ આ માર્ગ પર બસ સ્ટેશન આસપાસ મોટી સંખ્યામાં નોનવેજની લારીઓ પરથી છૂટથી નોનવેજનું વેચાણ થાય છે. જેને જોઇને શ્રધ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચે છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાંથી નોનવેજની લારીઓ દૂર કરી તેને નગર બહાર ખસેડવી જોઇએ. સ્વામીજીએ સમાજના શ્રેષ્ઠીઓને પણ આ મુદ્ે સહકાર આપવા અપીલ કરી છે. બીજીતરફ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ પણ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મના માધ્યમથી રૂક્ષ્મણી મંદિર રોડ પરની નોનવેજની લારીઓ અંગે સંબંધિત તંત્રોનું ધ્યાન દોરી આવી લારી અન્યત્ર ખસેડવા સ્વામીજીની માગણીમાં પોતાનો સ્વર પુરાવ્યો હતો.