જામનગર શહેરના મયુરનગર પાણાખાણ પ્રજાપતિની વાડી પાસે રહેતાં વેપારી ખેડૂત યુવાન સાથે જામનગરના અને નંદાણાના બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી 55 લાખની લોનની વિગતો છૂપાવી આ મકાનનો વેંચાણ દસ્તાવેજ કરી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર વિસ્તારમાં પાણાખાણ પ્રજાપતિની વાડી પાસે રહેતા અને ખેતી કરતાં વેપારી ભગવતસિંહ ઉમેદસિંહ જાડેજા નામના યુવાનને ગોકુલનગર રાજરાજેશ્ર્વરી સોસાયટીમાં રહેતાં નિલેશ માધવજી પરમાર અને કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતાં ભાવેશ રામજી સચદેવ નામના બંને શખ્સોએ એક સંપ કરી પૂર્વ આયોજિત કાવતરુ રચી નિલેશની માલિકીનું 42/5 નંબરનું મકાન તેના મિત્ર ભાવેશ સચદેવના નામે બેંક ઓફ બરોડામાંથી મોર્ગેજ કરી રૂા.55,10,107 ની લોન મેળવી હતી. આ લોન ભરપાઈ કર્યા વગર નિલેશે ભાવેશને દસ્તાવેજ બનાવી દીધો હતો. ત્યારબાદ માત્ર 8 દિવસમાં ભાવેશ સચદેવે લોનવાળુ આ મકાન ભગવતસિંહ જાડેજાને વેંચાણ કરી દીધું હતું અને આ વેચાણ દસ્તાવેજ નંબર 1438/2020 ના તા.27/02/2020 થી કરી દીધો હતો. પરંતુ, બંને આરોપીઓેએ મોર્ગેજ થયેલું મકાન વેપારી યુવાનને વેંચી નાખી અને લોનની વિગતો છૂપાવી હતી.
ત્યારબાદ વેપારી યુવાનને આ મકાન ઉપર 55 લાખની લોન હોવાનું જણાતા તેણે આ છેતરપિંડી સંદર્ભે જાણ કરતા પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફે નિલેશ માધવજી પરમાર અને ભાવેશ રામજી સચદેવ નામના બે શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધી બંને શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.