જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં યુવાને સોશિયલ મિડિયાના માધ્યમથી સંપર્ક કરી સોલાર કંપનીના કર્મચારી સાથે વાતચીત બાદ રૂપિયા 2.18 લાખ ચૂકવી દીધા હતા. તેમ છતાં કંપની દ્વારા બે મહિના થયા સોલાર પેનલ ફિટ ન કરી છેતરપિંડી આચરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગરના મારૂતિનગર શેરી નંબર બેમાં રહેતાં અને ડ્રાઇવિંગ કરતાં અમિતભાઇ ગોગનભાઇ ચુડાસમા (ઉ.વ.32) નામના યુવાને માર્ચ 2025માં સોશિયલ મિડિયાના ફેસબૂક માધ્યમથી ઇન્ટીફાઇ સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના કાનાભાઇ બૈડિયાવદરા અને રાહુલભાઇ સાથે સોલાર પેનલ નાખવાની બાબતે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ રાહુલએ અમિતભાઇના ઘરે આવી સોલાર પેનલ માટે રૂપિયા 2,18,000 ચૂકવવાનું કહ્યું હતું. તેથી અમિતભાઇએ રાહુલને રૂા. 2.18 લાખ રોકડા ચૂકવી દીધાં હતા અને ત્યારપછી 65 દિવસની અંદર કંપનીના માણસો આવીને સોલાર પેનલ નાખી જશે તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ સોલાર કંપનીના કર્મચારી રાહુલએ આપેલી મુદ્ત પણ પૂર્ણ થઇ ગઇ હતી. અવારનવાર અમિતભાઇ દ્વારા સોલાર પેનલ માટે રાહુલને ફોન કરતાં તે સોલાર પેનલની શોર્ટેજ જેવા બહાના આપી રહ્યો હતો. અવારનવાર સોલાર પેનલ નાખવા માટે ફોન કરવા છતાં આજદિવસ સુધી સોલાર પેનલ ફીટ કરી ન હોવાથી આખરે અમિતભાઇએ ઇન્ડીફાઇ સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કાના બૈડિયાવદરા અને રાહુલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે. એચ. ચાવડા તથા સ્ટાફએ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


