Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારસ્વામિનારાયણ ભક્તિધામની ફેક આઈડી બનાવીને ભક્તો સાથે છેતરપિંડી

સ્વામિનારાયણ ભક્તિધામની ફેક આઈડી બનાવીને ભક્તો સાથે છેતરપિંડી

- Advertisement -

દ્વારકામાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ સાથે ચીટીંગ થયાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. સ્વામિનારાયણ ભક્તિધામના નામની ફેક આઈડી બનાવી અને કોઈ ગઠિયાઓએ બુકિંગના બહાને પોતાના એકાઉન્ટમાં રકમ મેળવી લઈ, છેતરપિંડી કરતા આ અંગે ધોરણસર ગુનો નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા અંબુજાનગર સ્થિત સ્વામિનારાયણ ભક્તિધામમાં આવતા શ્રદ્ધાળુઓ, યાત્રિકો દ્વારા પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી, પેમેન્ટ કરવામાં આવતું હોવાથી ગૂગલ સર્ચમાં કોઈ શખ્સો દ્વારા સ્વામિનારાયણ ભક્તિધામની ફેક આઈડી બનાવીને જુદા જુદા ત્રણ મોબાઈલ નંબરો દર્શાવવામાં આવ્યા હતા.

ઓનલાઇન માધ્યમથી વેબસાઈટ, મોબાઈલ નંબર, યુ.પી.આઈ. આઈ.ડી., તેમજ ઇન્ડસઈન્ડ બેંકમાં ખાતું ખોલાવી અને આ ચીટર શખ્સો દ્વારા દ્વારકામાં રાત્રી રોકાણ માટે ગૂગલ સર્ચ કરતા આસામીઓ પાસેથી રૂમ બુકિંગના નામે નાણા ટ્રાન્સફર કરાવી લેવામાં આવતા હતા. આમ, છેલ્લા કેટલાક સમયથી અનેક દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓને સ્વામિનારાયણ ભક્તિધામના નામે છેતરપિંડીનો ભોગ બનાવી, આયોજનબદ્ધ રીતે ઓનલાઈન ચીટીંગ કરતા શખ્સો સામે ભક્તિધામમાં રહેતા અને સેવા પૂજા કરતા ભાવેશ ભગત ગુરુ ચંદ્ર પ્રસાદદાસજી સ્વામી (ઉ.વ. 33) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ ઉપરાંત આઈ.પી.સી. કલમ 34, 120 (બી), 406, 420, 465, 467, 468 તથા 471 મુજબ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારે દ્વારકામાં વિવિધ હોટલ તેમજ ગેસ્ટ હાઉસમાં આવતા શ્રદ્ધાળુઓ સાથે પણ ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદો નોંધાઈ હતી. જેમાં અગાઉ સાયબર પોલીસે કેટલાક આરોપીઓને પણ ઝડપી લીધા હતા. ત્યારે આ વધુ એક ફરિયાદથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા યાત્રાળુઓમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular