જામનગર જિલ્લામાંથી નશિલા પદાર્થ મળી આવવાનો સિલસિલો ખતમ જ નથી થતો. સમયાંતરે જિલ્લામાંથી નશિલા પદાર્થનું વેંચાણ અથવા ડિલેવરીની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. ત્યારે મોટી ખાવડી ગામ પાસેથી એસ.ઓ.જી.ની ટીમએ રૂા. 84.14 લાખના મુદામાલ સાથે પંજાબના ચાર શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ હાલારનો સંવેદનશીલ દરિયાકિનારો અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કુખ્યાત બન્યો હતો અને હાલમાં પણ જામનગર તથા દ્વારકા જિલ્લામાંથી નશિલા પદાર્થનો મોટો જથ્થો મળી આવવાની ઘટનાઓ સામાન્ય બનતી ગઇ છે. સુરક્ષા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા આ દરિયાકિનારેથી ઘણી વખત નશિલા પદાર્થ ઘૂસાડવાનું ષડયંત્ર રચાતું હોય છે. તેમજ હાલારમાંથી નશિલા પદાર્થનું વેચાણ થતું હોવાની ઘટનાઓ પોલીસ દફતરે નોંધાયેલી છે. ત્યારે વધુ એક બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામ પાસેથી અમુક શખ્સો હેરોઇન પાવડરનો જથ્થો લઇને વેંચવા આવ્યા હોવાનું તથા એક હોટેલમાં રોકાયા હોવાનું હે.કો. હર્ષદભાઇ ડોરિયા, મયૂરરાજસિંહ જાડેજા, પો.કો. ફિરોજભાઇ ખફી, બળભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને મળેલી સંયુક્ત બાતમીના આધારે ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાના નેજા હેઠળ એસઓજી પી આઇ બી. એન. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર, પી.પી. જાડેજા સહિતના સ્ટાફએ વોચ ગોઠવી હતી.
દરમ્યાન એસઓજીની ટીમએ મોટી ખાવડીમાં આવેલી હોટેલના રૂમ નંબર 202માં રેઇડ કરતાં રૂમમાં તલાશી લેતાં રૂા. 83,60,000ની કિંમતની 418 ગ્રામ હેરોઈન તથા રોકડ રકમ અને સાત મોબાઇલ ફોન તેમજ વજનકાંટા સહિત કુલ રૂા. 84,14,000ના મુદ્દામાલ સાથે પંજાબના વિશાલસિંઘ જશવીરસિંઘ મટુ, હરપ્રીતસિંઘ તેગાસિંઘ મજવી, બિક્રમજિતસિંઘ અમરજિતસિંઘ મજવી અને જગદીપસિંઘ ઉર્ફે જગ્ગી જગ્ગી લખધીરસિંઘ ખેહરા નામના ચાર શખસોને દબોચી લઇ એનડીપીએસ એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


