ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં મજૂરીકામ કરતાં યુવાનના દાદીને સરખી રીતે રાખવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી ચાર શખ્સોએ યુવાનને ફડાકા ઝીંકી ઢીકાપાટુનો માર મારી લાકડી વડે હુમલો કર્યો હતો.
આ અંગે મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં રહેતો અને મજૂરીકામ કરતો મનસુખભાઇ ભૂપતભાઇ ઝીંઝુવાડિયા (ઉ.વ.30) નામનો યુવાનના દાદીને સરખી રીતે રાખવાની બાબતે જીકુબેન દિલીપ જોગરાજિયા, રાહુલ દિલીપ જોગરાજિયા સાથે ફોન પર બોલાચાલી થઇ હતી. તે બાબતનું મનદુ:ખ રાખી મંગળવારે બપોરના સમયે જીકુબેન દિલીપ જોગરાજિયા, રાહુલ દિલીપ જોગરાજિયા, લાલો દિલીપ જોગરાજિયા અને સંજય બાબુ જોખલિયા નામના ચાર શખ્સોએ એકસંપ કરી, મનસુખના ઘરે આવી જીકુબેનએ ફડાકા ઝિંકયા હતા. ત્યારબાદ રાહુલએ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. લાલાએ લાકડી વડે હુમલો કરી શરીરે તથા માથામાં ઇજા પહોંચાડી હતી. જ્યારે સંજયએ મનસુખને ફડાકા ઝિંકી ગાળો કાઢી હતી.
મહિલા અને તેના પુત્રો સહિત ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા મનસુખને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. જે. ડી. ગોગરા તથા સ્ટાફએ મનસુખના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


