જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે આત્મીય કોલેજ સામેથી પસાર થતા ડમ્પર ચાલકને આડે બાઈક મૂકી અવરોધ નાખી ચાર શખ્સો એ અપશબ્દો બોલી પ્લાસ્ટિકના દુધના કેનના ખાલી કેરેટ વડે માર મારી ઈજા પહોંચાડી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા ભૂપતભાઈ મેરાભાઈ માટીયા (ઉ.વ.34) નામનો યુવાન તેનું ડમ્પર લઇ વિકટોરીયા પુલથી મહાપ્રભુજીની બેઠક રોડ પરથી જતો હતો તે દરમિયાન રસ્તાનમાં ચાર અજાણ્યા શખ્સો બે બાઈક પર આવી ડમ્પરની બાજુમાંથી બાઈક કાઢી ડમ્પર આડે મૂકી દઇ અવરોધ કર્યો હતો. જેથી સમજાવવા ગયેલા ભૂપતને ચાર શખ્સોએ ઉશ્કેરાઇને ગાળો કાઢી પ્લાસ્ટિકના દુધના ખાલી કેરેટ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા ભૂપતભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.