Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલમાં યુવાનની હત્યાના ચાર આરોપીઓ રિમાન્ડ પર

જી. જી. હોસ્પિટલમાં યુવાનની હત્યાના ચાર આરોપીઓ રિમાન્ડ પર

સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં યુવાનની હત્યા : પોલીસ દ્વારા હથિયાર અને કપડાં કબ્જે કરવા તજવીજ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં એક પછી એક હત્યાના બનાવો બનતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ સરાજાહેર હત્યાના બનાવો બની રહ્યા છે. ગઈકાલે જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરતા યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ચારેય હત્યારાઓની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી હત્યામાં ઉપયોગ કરાયેલ હથિયાર અને કપડાં કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હત્યાના વધુ એક બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવેલા ધર્મરાજસિંહ સુરૂભા ઝાલા (ઉ.વ.32) નામના યુવાન ઉપર હોસ્પિટલના ડ્રેસીંગ રૂમ નજીક અજાણ્યા શખ્સોએ ધર્મરાજસિંહ ઉપર આડેધડ ઘા ઝીંકતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો. અને હુમલો કર્યા બાદ શખ્સો નાશી ગયા હતાં. ત્યારબાદ યુવાનને સારવાર માટે ખસેડાતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું તેમજ આ હુમલામાં અન્ય એક યુવાન પણ ઘવાયો હતો. જેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જી. જી. હોસ્પિટલમાં થયેલી હત્યાના બનાવની જાણ થતા બાજુમાં જ આવેલા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી પી ઝા અને સ્ટાફ બનાવસ્થળે દોડી આવ્યો હતો અને હત્યાની ગંભીરતા લઇને શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા હોસ્પિટલે દોડી આવ્યા હતાં.

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા શાંતિનગરમાં રહેતો જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા નામનો શખ્સ દારૂનો ધંધો કરતો હતો અને જ્યારે-જ્યારે પોલીસ તેને પકડી જતી ત્યારે તે ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો સુરેન્દ્રસિંહ ઝાલા નામનો યુવાન તેને પકડાવતો હોવાની શંકા કરતો હતો. આ બાબતે દોઢ માસ પૂર્વે જયપાલસિંહ ચુડાસમા એ ધર્મરાજસિંહના ઘરે જઈ ઝઘડો કર્યો હતો. ત્યારથી બંને વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. જેનો ખાર રાખી જયપાલસિંહ અને ઉર્મિલ ઉર્ફે ઉમો દિનેશ રાઠોડ નામના બે શખ્સોએ યોગી પાન પાસે ધર્મરાજસિંહને ગાળો કાઢી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ શરૂ સેકશન રોડ પર પોલીસ હેડકવાર્ટરના ગેઈટ પાસે જયપાલસિંહએ ધર્મરાજસિંહ ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરતા ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત ધર્મરાજસિંહ સારવાર માટે જી. જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડના સીટી સ્કેનના દરવાજા પાસે ઉભો હતો તે દરમિયાન જયપાલસિંહ તથા અક્ષયરાજસિંહ પરમાર નામના બે શખ્સોએ આવી ધર્મરાજસિંહને ગાળો કાઢી હતી તેમજ ઉર્મિલ ઉર્ફે ઉમો અને પ્રણવદિપસિંહ ઉર્ફે પાંચો વાઘેલા નામના બંને શખ્સો આવી જતાં બે શખ્સોએ પકડી રાખી અને અન્ય શખ્સોએ હુમલો કરતા ધર્મરાજસિંહને છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ સુખદેવસિંહ ઉદયસિંંહ જાડેજા નામના યુવાન ઉપર પણ હુમલો કરતા તેને પણ ઈજા પહોંચી હતી. આ હુમલામાં ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો સુરેન્દ્રસિંહ ઝાલાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

- Advertisement -

પોલીસે ઈજાગ્રસ્ત સુખદેવસિંહના નિવેદનના આધારે જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, ઉર્મિલ ઉર્ફે ઉમો દિનેશ રાઠોડ, પ્રણવદિપસિંહ ઉર્ફે પાંચો વાઘેલા, અક્ષયરાજસિંહ પરમાર નામના ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી પીઆઈ પી પી ઝા તથા સ્ટાફે તપાસ આરંભી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે ચારેય હત્યારાઓની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતાં મંગળવાર સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં. રિમાન્ડ દરમિયાન પોલીસે હત્યા નિપજાવેલ હથિયાર અને આરોપીઓએ પહેરેલા કપડાં કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular