જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક અને ઝડપી થયા બાદ હવે ધીમે ધીમે પોઝિટિવ કેસો અને મૃત્યુનો આંકડો ઘટતો જાય છે. જેમાં છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરના પૂર્વ મહિલા કોર્પોરેટરનું કોરોનાથી નિધન થયું હતું. ઉપરાંત અન્ય ચાર વ્યકિતઓના જિલ્લામાં મોત નિપજ્યા હતાં. શહેરમાં 313 અને ગ્રામ્ય વિસ્તારમાં 112 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.
ગુજરાત રાજ્યમાં છેલ્લાં દોઢ માસથી કોરોના સંક્રમણની બીજી લહેર ઝડપી અને ઘાતક પૂરવાર થઈ રહી છે. આ લહેરમાં અસંખ્ય લોકોના મોત નિપજ્યા છે. હાલ છેલ્લાં દશેક દિવસથી કોરોના પોઝિટિવની સંખ્યા અને મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. જામનગર શહેરમાં રહેતા પૂર્વ મહિલા કોર્પોરેટર ભારતીબેન રાજેન્દ્રકુમાર જડિયા (ઉ.વ.64) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તબિયત લથડતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 313 અને ગ્રામ્ય વિસ્તારમાં 112 મળી કુલ 425 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે શહેરમાં 138 અને ગ્રામ્ય વિસ્તારમાં 65 મળી કુલ 203 નવા દર્દી ઉમેરાયા હતાં. જ્યારે શહેરમાં ત્રણ અને ગ્રામ્યમાં બે મળી કુલ પાંચ વ્યકિતઓના કોરોનાથી મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરાયું હતું. જામનગર શહેરમાં ગઈકાલ સુધીમાં કુલ 369596 અને ગ્રામ્યમાં 271708 લોકોના કોરોના પરિક્ષણ કરવામાં આવ્યા છે.