જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ 317 ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ સોમવારે આ ઉમેદવારીપત્રની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન વોર્ડ નંબર સાતના ભાજપાના ઉમેદવારનું ફોર્મ રદ્ કરવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ સામસામે આવી ગઇ હતી. ઉગ્ર દલીલબાજી થઇ હતી. જો કે, આખરે આ ઉમેદવારનું ફોર્મ માન્ય રહ્યું હતું. બીજીતરફ વોર્ડ નંબર પાંચમાંથી કોંગ્રેસના ઉમેદવારના મેન્ડેટમાં વ્હાઇટનરનો ઉપયોગ કરાયો હોવાથી ચૂંટણી અધિકારીએ તેને નિયમ વિરૂઘ્ધ ગણાવી ફોર્મ રદ્ કર્યું હતું.
જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકોની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. તા. 26 એપ્રિલના યોજાનાર મતદાન પ્રક્રિયા માટે તા. 11 એપ્રિલ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. તા. 11 સુધીમાં 64 બેઠકો માટે કુલ 317 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ તા. 13ના ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણી દરમ્યાન વોર્ડ નંબર સાતના ભાજપના ઉમેદવાર શિતલબેનને ત્રણ બાળકો હોવાનું જણાવી કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ રદ્ કરવા માંગણી કરવામાં આવી હતી. આ દરમ્યાન કોંગ્રેસ અને ભાજપાના નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલબાજી થઇ હતી. વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. ત્યારબાદ સિક્યોરિટી દ્વારા બન્ને પક્ષોને અટકાવી દેતાં મામલો ધીમે ધીમે શાંત પડયો હતો. જ્યારે સામાપક્ષે ભાજપા દ્વારા કોંગ્રેસના વોર્ડ નંબર પાંચના એક ઉમેદવારના ફોર્મમાં ભૂલ હોય આ ફોર્મ રદ્ કરવા માંગણી કરી હતી. જેમાં વોર્ડ નંબર પાંચના કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાના ઉમેદવારના મેન્ડેટમાં વ્હાઇટનરનો ઉપયોગ થયો હોવાથી ઉમેદવારી ફોર્મ રદ્ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્ થતાં ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસે એક બેઠક ગૂમાવી દીધી છે. વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસ ત્રણ બેઠક ઉપર જ ચૂંટણી લડશે. કોંગ્રેસ કુલ 62 ઉમેદવારો સાથે મેદાનમાં છે. જ્યારે ભાજપાના વોર્ડ નંબર સાતના ઉમેદવારના ફોર્મ બાબતેની તમામ ચકાસણી કર્યા બાદ તેનું ફોર્મ માન્ય રહેતાં ઉમેદવાર શિતલબેનના ચહેરા પર ખુશી છવાઇ હતી.
આમ, જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે કુલ 213 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. જેમાં વોર્ડ નંબર એકમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના ત્રણ, સપાના ચાર, આપના ચાર, અપક્ષના ત્રણ અને એઆઇએમઆઇએમના એક સહિત 23 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર બેમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર સહિત આઠ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર ત્રણમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના એક સહિત નવ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર ચારમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના બે, આપના બે સહિત 12 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર પાંચમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ત્રણ, આપના ચાર સહિત 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર છમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના ચાર, સપાના એક, આપના ચાર, અપક્ષના બે સહિત 19 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર સાતમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના ચાર સહિત 12 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર આઠમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના ચાર સહિત 12 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર નવમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના ચાર, અપક્ષના બે સહિત 14 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર દસમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના બે, એઆઇએમઆઇએમના એક સહિત 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર અગિયારમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના બે, એઆઇએમઆઇએમના એક સહિત 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર બારમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના ચાર, અપક્ષના બે સહિત 14 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર તેરમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના એક, આપના ચાર, અપક્ષના એક સહિત 14 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર 14માં ભાજપાના ચાર, કોંગ્રેસના ત્રણ, આપના ત્રણ, અપક્ષના એક સહિત 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર 15માં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના બે, આપના ચાર, અપક્ષના બે અને એઆઇએમઆઇએમના એક સહિત 17 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર 16માં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના ત્રણ, આપના ચાર સહિત 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે.
View this post on Instagram
આમ, કુલ 317 ફોર્મ ભરાયા હતાં. જેમાંથી કુલ 213 ફોર્મ માન્ય રહ્યાં છે. જેમાં ભાજપના 64, કોંગ્રેસના 62, બસપાના 15, સપાના 05, આમઆદમી પાર્ટીના 50, એઆઇએમઆઇએમના 04 અને અપક્ષના 13 ફોર્મ માન્ય રહ્યાં છે. તા. 15 ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોય ત્યારબાદ ઉમેદવારોનો આખરી આંકડો સામે આવશે.


