જામનગર મહાપાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા લાંબા સમયથી બાકી રોકાતી મિલકત વેરાની રકમની વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વસુલાત ટુકડી દ્વારા શહેરના 16 બાકીદારોની મિલ્કત જપ્ત કરવામાં આવી છે. જે પૈકી 4 આસામીઓએ સ્થળ પર જ બાકી રકમ ભરપાઇ કરી દીધી હતી.
મિલકત વેરા શાખાની વસુલાત ટુકડી દ્વારા ગઇકાલે શહેરમાં બાકી રકમની વસુલાત અને જપ્તી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન ધીરજલાલ શિંગાળાની 3 મિલકતો, રાજેન્દ્રકુમાર ઝવેરી પર્લ બિલ્ડર્સ, ભરત રામભાઇ ગઢવી, ભાવેશભાઇ, રાજેશકુમાર, અનિલ લીલાધર ઝાખરીયા, વિજયભાઇ, ઝંકાર હેર ડ્રેસર તેમજ મનુબા ભાનુભા જાડેજાની મિલકતો સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમ્યાન મેઘામલ ટ્રાન્સપોર્ટ, હેમતલાલ માધવજી પટેલ, પ્રવિણચંદ્ર માવજીભાઇ મહેતા તથા યુનુસભાઇ મકરાણીએ બાકી રકમ સ્થળ ઉપર જ ભરપાઇ કરી આપી હતી. જપ્તીની આ કાર્યવાહી આસી. કમિશનર ટેકસ જીગ્નેશ નિર્મલની આગેવાની હેઠળ રિકવરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.