સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં નોંધ્યું છે કે આર.બી.આઇ. (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)ની મંજૂરી વિના કોઇપણ વિદેશી વ્યક્તિ ભારતમાં મિલકત વેચી ન શકે અને મિલકત કોઇને ભેટમાં પણ ન આપી શકે.
કર્ણાટકમાં 1977માં ચાલ્ર્સ રાટ નામના વિદેશી વ્યક્તિની પત્નીએ ભારતીય વ્યક્તિને જમીન આર.બી.આઇ.ની પરવાનગી વગર ભેટમાં આપી હતી. કર્ણાટક હાઇકોર્ટે આ સોદાને મંજૂરી આપતા મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોદો રદબાતલ ઠેરવી આ અવલોકન નોંધ્યું છે.
બેંગાલુરૂમાં 12,306 સ્કવેર ફીટનો એકની માલિકી ધરાવતા ચાલ્ર્સ રાટની વિધવાએ આ જમીન વિક્રમ મલ્હોત્રા નામના વ્યક્તિને 1977માં ભેટમાં આપી હતી. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ-1973 પ્રમાણે કોઇપણ વિદેશી વ્યક્તિએ ભારતમાં સિૃથત મિલકત વેચવા કે ભેટમાં આપવા આર.બી.આઇ.ની પરવાનગી જરૂરી છે.
જો કે આ સોદામાં આર.બી.આઇ.ની પરવાનગી ન લેવાઇ હોવાથી આ મુદ્દો બેંગાલુરૂની સિવિલ કોર્ટમાં ગયો હતો. સિવિલ કોર્ટ અને બેંગાલુરૂ હાઇકોર્ટે આ સોદાનો યોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો ચુકાદો રદબાતલ ઠેરવતા નોંધ્યું હતું કે જ્યાં સુધી આર.બી.આઇ.ની પરવાનગી ન હોય ત્યાં સુધી મિલકતની ટ્રાન્સફરને કાયદેસર ગણી શકાય નહીં.
વિદેશી નાગરિકોને ભારતમાં રિયલ એસ્ટેટનાં ખરીદ-વેચાણ કરવામાંથી નિયંત્રિત કરવાના કાયદાઓના આધારે આ સોદો રદ કરવામાં આવે છે. જો કે સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે જે સોદાઓને અગાઉ કોર્ટ સમક્ષ કે કોર્ટ સમકક્ષની ઓથોરિટી દ્વારા મંજૂરી મળી ચૂકી છે તે સોદાઓ યથાવત રહેશે અને તેના પર વિપરિત અસર નહીં થાય.