શેરબજાર નિયંત્રક સંસ્થા સેબીની હરકતોથી તંગ બનેલી સેબીની અપીલેટ બોડી એસએટી(સિક્યોરીટીઝ અપીલેટ ટ્રિબ્યુનલ)એ સેબીને જોરદાર આંચકો આપ્યો છે. આ ઉપરાંત ટ્રિબ્યુનલે સેબી વિરૂધ્ધ સુપ્રિમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે.
આ મામલો ખુબ જ દિલચસ્પ છે. કાર્વી બ્રોકર નામની કંપની જયારે ડિફોલ્ટ થઇ ત્યારે આ કંપનીએ ગ્રાહકોના શેર ડિમેટમાંથી કાઢી લઇને એનએસઇ ને આપી દીધાં હતાં. કંપનીએ તેના પર માર્જીન આપવાનું હોય છે. એકસિસ બેંકે આ માટે ગેરંટી પણ આપી હતી. આ કંપની ડિફોલ્ટ થઇ ત્યારે એનએસઇ એ બેંક ગેરંટી જપ્ત કરી લીધી હતી. ત્યાર બાદ બેંકે કહ્યું કે, આ છેતરપિંડીનો મામલો છે એટલે બેંક ગેરંટી જપ્ત ન કરી શકાય. પરંતુ એનએસઇ એ બેંકની બધી દલીલો ઠુકરાવી દીધી હતી.
ત્યારબાદ બેંકે પોતાની ગેરંટી રિકવર કરવા સેટમાં અપીલ કરી હતી.બેંકે, આ મામલામાં સેબી અને કાર્વી કંપનીને પક્ષકાર બનાવ્યા હતાં. સુનાવણી શરૂ થઇ ત્યારે સેબીએ કાનુની દાવ પેચ શરૂ કર્યા. સેબીએ એક એફિડેવિટમાં એમ કહ્યું કે, આ ટ્રિબ્યુનલમાં બે જયુડિશિયલ અને એક ટેકનિકલ સભ્ય હોવા જોઇએ. ટેકનિકલ સભ્ય 31 માર્ચે નિવૃત થઇ ગયાં હતાં.સેબીએ કહ્યું જયાં સુધી ટ્રિબ્યુનલમાં ટેકનિકલ સભ્ય નહીં હોય, સેબી સેટનો આદેશ માનશે નહીં.
તે પછી સેટએ કહ્યું સભ્યની નિયુક્તિ સરકારનો અધિકાર છે. સરકાર ઇચ્છે ત્યારે આ નિયુક્તિ કરી શકે. તેનાથી અમારા નિર્ણય પર કોઇ અસર ન થવી જોઇએ. તે પછી સોમવારે સેટએ 44 પેઇજનો ઓર્ડર કાઢયો. તેમાં જણાવ્યું કે, નાણાં મંત્રાલય કાં તો ટેકનિકલ સભ્યની નિયુક્તિ કરે અથવા નિયમ બદલાવે.
સેટએ આ ઓર્ડરમાં સેબી વિરૂધ્ધ ફરિયાદ પણ કરી. સેટએ 6 મે ના દિવસે તેના પર ચર્ચા કરી હતી.સેબીએ કહેલું: કાનુની દ્રષ્ટિએ ટ્રિબ્યુનલનું ગઠન યોગ્ય નથી. ત્યારબાદ સેટએ વધુ એક લાંબો ઓર્ડર જાહેર કર્યો અને તેની રજીસ્ટર્ડ કોપી સુપ્રિમ કોર્ટમાં મોકલવા જણાવ્યું અને કહ્યું કે, આ ઓર્ડરને સેબી વિરૂધ્ધની જાહેરહિતની અરજી ગણવામાં આવે. અત્રે નોંધનીય છે કે,સેટની સત્તા હાઇકોર્ટ જેટલી હોય છે. અત્રે એ પણ નોંધનીય છે કે, સેબી અદાલત પ્રકારની આ ટ્રિબ્યુનલ સમક્ષ ઘણી વખત નાટકો કરે છે. એટલે, આ વખતે ટ્રિબ્યુનલે સેબી વિરૂધ્ધ કડક વલણ અખત્યાર કર્યું છે.
પ્રથમ વખત એવું બન્યું કે, ટ્રિબ્યુનલે રેગ્યુલેટર વિરૂધ્ધ અરજી કરી!
SAT સેબીને સુપ્રિમ કોર્ટમાં ખેંચી ગઇ