ડાકોરના ઈતિહાસમાં પહેલીવાર આવુ બન્યું છે કે, એક સેવકે 7 મહિલાઓ સાથે રણછોડરાયના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો. આ સેવકે મંદિર નિતિ નિયમો વિરુદ્ધ જઇ મહિલાઓને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા હોવાથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે.
યાત્રાધામ ડાકોરમાં ભગવાનના ગર્ભગૃહમાં સાત મહિલા સાથે વારાદારી સેવકના પ્રવેશને લઇ વિવાદ સર્જાયો છે. મહિલાઓએ રણછોડરાયજીના દર્શન કરીને ચરણ સ્પર્શ કરવાનો નિષેધ હોવા છતા 7 મહિલાઓએ દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરીને દક્ષિણા પણ ધરી હોવાનો બનાવ બન્યો છે. 7થી વધુ મહિલાઓએ ગર્ભગૃહમાં દર્શન કરતા વિવાદ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. તો બીજી તરફ, મંદિરમાં મહિલાઓને લઈ જનાર પરેશ રમેશચંદ્ર સેવકે જણાવ્યું કે, આજે અમારા પરિવારનો સેવાનો વારો હતો. અમારો વારો હોય ત્યારે હું મારા પરિવારના કોઇપણ સભ્ય દર્શન કરવા લઇ જઇ શકું છું. મારા વારાદારીઓ કે સેવકો કોઇને કશું પુછવાનું હોતું નથી. અમે અમારા પરિવારના સભ્યોને નીજ મંદિરમાં લઇ જઇ શકીયે છીએ. જેમને હું મારી સાથે લઇ ગયો હતો. તે મારી પત્નિ અને મારા ભાભી સહિતના પરિવારના સભ્યો હતાં.
ડાકોર મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસને કરવામાં આવેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પરેશભાઈ રમેશચંદ્ર સેવકે આજે સવારના સમયે 7 મહિલા સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં સેવકે મંદિરના નીતિ-નિયમો વિરૂદ્ધ જઈ 7 મહિલાઓને ઠાકરોજીનાં ચરણ સ્પર્શ કરાવ્યા હતા. આ મામલે પોલીસે કહ્યું કે, નિજ મંદિરમાં મહિલાઓને પ્રવેશ છે કે નહીં તે મંદિરનો વિષય છે. અમને અરજી મળી છે તેમાં કોરોના ગાઈડલાઈન ભંગનો ઉલ્લેખ છે. આ મામલે કાર્યવાહી ચાલુ છે. ફરિયાદમાં કહેવાયુ કે, ડાકોર મંદિરની વર્ષોથી પરંપરા તોડીને આ મહિલા શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના ચરણસ્પર્શ કર્યા.