ગીરની પ્રખ્યાત કેસર કેરી ગુજરાત સહીત દેશભરમાં પ્રખ્યાત છે. પરંતુ હવે તેનો સ્વાદ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે. તાજેતરમાં જ તાલાલા-ગીરથી 14 ટન કેસર કેરીની ઈટાલીમાં નિકાસ કરવામા આવી છે. આ વર્ષે પ્રથમવાર એરકાર્ગોના બદલે શિપ મારફત નિકાસ કરવામા આવી છે. મુન્દ્રા બંદરેથી દરિયાઈ માર્ગે કેસર કેરીનું કન્ટેનર 25 દિવસ બાદ ઈટાલી પહોંચવાનો અંદાજ છે.
ઇટાલીમાં રહીને વેપાર કરતા વેપારીએ જણાવ્યું છે કે પ્રથમ વખત ગીરની પ્રખ્યાત કેરી ઇટાલી પહોચી છે. ગીરની કેરીની કિમત ઇટાલી સહિય યુરોપિયન દેશોમાં ખુબ જ વધારે છે. ભારતના મુંદ્રાથી સ્વિત્ઝરલેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા સહિતનાં યુરોપિયન દેશોમાં આ કેરી મોકલવામાં આવે છે. ગીરની કેસર કેરીની અમેરિકા અને જાપાનમાં ડિમાન્ડ હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ટેક્નિકલ કારણોસર આ દેશોમાં કેરીની નિકાસ થઈ શકી નથી. પરંતુ ઇટાલીમાં મોકલવામાં આવેલ કેસર કેરીની ડિમાન્ડ વધી છે. અને જો સારી રીતે માર્કેટિંગ કરવામાં આવશે તો ઇટાલી સહિતના યુરોપિયન દેશોમાં અંદાજે 100 ટનથી વધુ કેરીની ખપત થશે.
કોરોના કાળ અને વાવાઝોડાના કારણે આ વખતે કેસર કેરીનું ખુબ જ ઓછુ ઉત્પાદન હોવા છતા પણ મોટા પ્રમાણસમાં કેસર કેરીનો નિકાસ થઇ રહ્યો છે. કેસર કેરી અન્ય દેશોમાં પણ ઇટાલીનાં રસ્તે જ મોકલાય છે. કારણ કે ફળ અને શાકભાજીનું મુખ્ય વિતરણ સેન્ટર ઇટાલી છે.