આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ ફૂટબોલ ક્લબ બાર્સેલોના છોડવી પડી છે. ક્લબ દ્વારા આયોજિત વિદાય સમારંભમાં તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શક્યો નહી અને બોલતી વખતે રડી પડ્યો. પોતાના સંબોધનમાં મેસ્સીએ કહ્યું, ‘અહીં લગભગ આખી જિંદગી વિતાવ્યા બાદ ટીમ છોડવી ખૂબ જ મુશ્કેલ છે. હું તેના માટે તૈયાર ન હોતો. મને વિશ્વાસ હતો કે હું ક્લબ સાથે રહીશ, જે મારા ઘર જેવું છે. મેસ્સી છેલ્લા 21 વર્ષથી બાર્સેલોના સાથે જોડાયેલો હતો. 30 જૂને તેનો કરાર ખતમ થયો હતો અને ક્લબ સાથે નવા કરારને લઇને સહમતી બની શકી ન હતી.
વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર પૈકી એક લિયોનેલ મેસી 13 વર્ષની ઉંમરથી આ ક્લબ સાથે જોડાયેલો હતો અને 21 વર્ષથી આ ક્લબ તરફથી રમી રહ્યો હતો.મેસી તેના વિદાય સમારંભમાં રડી પડ્યો અને કહ્યું કે મે વિચાર્યું ન હતું કે એવો પણ દિવસ આવશે કે મારે બાર્સેલોના છોડવી પડશે. તેણે વધુમાં કહ્યું કે મને આશા છે કે હું પાછો આવી શકું. મેસીએ કહ્યું કે મે 50% ઓછી સેલેરી કરવાની પણ ઓફર આપી હતી.
બાર્સેલોના નાણાકીય સંકટમાં છે અને તેના ઉપર લગભગ 8000 કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે મેસીએ 2017માં ક્લબ સાથે આખરી ડીલ લગભગ 4900 કરોડ રૂપિયામાં કરી હતી. બાર્સેલોના ક્લબે ગત દિવસોમાં એક નિવેદનમાં કહ્યું હતું કે બંને પક્ષોના પ્રયત્નો અને સહમતી પછી વિત્તીય સ્થિતિના કારણે નવી ડીલ થઇ શકી નથી. બાર્સેલોના ભારે આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે.