ભારતમાં ઑક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વન-ડે વર્લ્ડકપ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દેશના પાંચ મોટા સ્ટેડિયમની કાયાપલટ કરવા જઈ રહ્યું છે જેના પાછળ 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ફેબ્રુઆરી-માર્ચમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી દરમિયાન દર્શકોએ અરૂણ જેટલી સ્ટેડિયમમાં ખરાબ ટોયલેટને લઈને જોરદાર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી ઉપરાંત હૈદરાબાદ, કોલકત્તા, મોહાલી અને મુંબઈના સ્ટેડિયમનું સમારકામ કરવામાં આવશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી સ્ટેડિયમની કાયાપલટ માટે 100 કરોડ, હૈદરાબાદ સ્ટેડિયમ માટે 117.17 કરોડ, ઈડન ગાર્ડન માટે 127.47 કરોડ, મોહાલી માટે 79.46 કરોડ અને વાનખેડે સ્ટેડિયમના રિપેરિંગ માટે 78.82 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. વર્લ્ડકપ માટે 12 ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી છે જેમાં અમદાવાદ, રાજકોટ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગૌહાટી, હૈદરાબાદ, કોલકત્તા, લખનૌ, ઈન્દોર અને મુંબઈનો સમાવેશ થાય છે. આ પૈકી રાજકોટનું સ્ટેડિયમ અત્યારે એકદમ ફિટ હોવાનું તેમજ ત્યાં રિપેરિંગની જરૂરિયાત નહીં હોવાનું બોર્ડના ધ્યાન પર આવ્યું છે. ભારતમાં છેલ્લે 2011માં વન-ડે વર્લ્ડકપ રમાયો હતો જ્યારે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી. વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ ચેન્નાઈ અને કોલકત્તામાં પોતાના મોટાભાગના મુકાબલા રમી શકે છે. આઈસીસીના સૂત્રોએ જણાવ્યું કે અગાઉ જ્યારે પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી ત્યારે આ ગ્રાઉન્ડ પર પોતાને સુરક્ષિત અનુભવી હતી. અત્યારે આ મુદ્દે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. જો કે છેલ્લો નિર્ણય બીસીસીઆઈ અને સરકાર જ લેશે પરંતુ પાકિસ્તાન આ બન્ને સ્થળો ઉપર જ રમવાનું પસંદ કરી રહ્યું છે.