જામનગર તાલુકાના સિક્કા ગામમાંથી તિનપત્તિનો જુગાર રમતાં પાંચ શખ્સોને રૂા. 10850ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાંથી જાહેરમાં તિનપત્તિનો જુગાર રમતાં ત્રણ મહિલાઓને પોલીસે રૂા. 17020ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં જાહેરમાં તિનપત્તિનો જુગાર રમતાં હોવાની બાતમીના આધારે સિક્કા પોલીસે રેઇડ દરમિયાન ભોજા ડોસા કારીયા, વિજયસિંહ કેશરીસિંહ ચુડાસમા, સુરેશ હમીર સિંધવ, રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભિમસંગ કંચવા, પ્રદીપસિંહ ગુમાનસિંહ ચુડાસમા નામના પાંચ શખ્સોને રૂા. 10850ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગર શહેરના બાલાજી પાર્ક-2 વિસ્તારમાંથી તિનપત્તિનો જુગાર રમતા સ્થળે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન ત્રણ મહિલાઓને રૂા. 17020ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.