જોડિયા તાલુકાના રસનાળ ગામની સીમમાં આવેલી સસરાની વાડીએ યુવાને કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. રાજકોટના મહિલાનું દવા લેવા જતાં સમયે હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં ફરજ પરના યુવાનનું બેશુદ્ધ થઈ જતાં મોત થયું હતું. જામનગર શહેરમાં રહેતો યુવાન તેના ઘરે બેશુદ્ધ હાલતમાં મળી આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના ખંઢેરામાં ખેતી કરતા યુવાનને ઝાડા-ઉલટી થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
અપમૃત્યુના બનાવોની વિગત મુજબ પ્રથમ બનાવ, ધ્રોલ તાલુકાના સગાડિયા ગામની સીમમાં આવેલી મોહનભાઈના ખેતરમાં મજૂરીકામ કરતા નાનકા ગોદરીયાભાઈ બુંદેવડિયા (ઉ.વ.25) નામના યુવાન ગત તા.17ના રોજ સવારના સમયે જોડિયા તાલુકાના રસનાળ ગામની સીમમાં આવેલી તેના સસરાની વાડીએ જઈ કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની સુદરીયાભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.ડી.બકુત્રા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, રાજકોટના મુંજકા ગામમાં રહેતાં વેજીબેન ડાડુભાઈ વાડોતરિયા (ઉ.વ.35) મહિલા ઈકકો કારમાં બેસીને દવા લેવા માટે જતાં હતાં ત્યારે જામનગર તાલુકાના જાંબુડાના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મહિલાના પતિ ડાડુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેર તાલુકાના દડિયા ગામમાં રહેતાં ભીમજીભાઈ નાથાભાઈ ચૌહાણ (ઉ.વ.45) નામના યુવાન ગત તા.18 ના સવારના સમયે જામનગર શહેરમાં પટણીવાડ વિસ્તારમાં તેની ફરજ પર હતાં ત્યારે ચાલુ ફરજે એકાએક બેશુધ્ધ થઈ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કિશનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.એન. ગોગરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો બનાવ, જામનગર શહેરના ખારવા ચકલા વિસ્તારમાં રહેતાં કૃણાલ ઉર્ફે બન્ટી નટવરલાલ પીઠડિયા (ઉ.વ.35) નામના યુવાન તેના ઘરે બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પરષોતમભાઈ પરમાર દ્વારા જાણ કરાતા હેકો એમ.એમ. ગોગરા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો બનાવ, કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતાં અને ખેતી કરતાં દિવ્યરાજસિંહ અખુભા જાડેજા (ઉ.વ.35) નામના યુવાન તેના ખેતરે કપાસના પાકમાં દવા છાંટતા હતાં તે દરમિયાન ઝાડા ઉલટી થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગેની જયપાલસિંહ દ્વારા જાણ કરાતા હેકો એન.કે.છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.