જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસેના વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર જૂગારની પોલીસમાં બાતમી આપી પકડાવ્યા મામલે ઉશ્કેરાઇ જઈ પાંચ શખ્સોએ યુવાન ઉપર ધોકો, લોખંડની મુંઠ, પાઇપ વડે માર મારી બે મોબાઇલ ફોન તોડી નાખી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી મહાવીરનગર સામે બાઈની વાડી વિસ્તારમાં રહેતાં ગોપાલ કિશન પરમાર નામના યુવાન ઉપર ત્રણ દિવસ પહેલાં રાત્રિના સમયે ગૌતમ દિનેશ પરમાર, રાજ કિશોર પરમાર, યુવરાજ પ્રકાશ પરમાર, વિમલ દિપક, જયરાજ પ્રકાશ પરમાર નામના પાંચ શખ્સોએ ગોપાલને તું પોલીસમાં બાતમી આપી અમને જૂગારમાં પકડાવેશ. તેમ કહી ઉશ્કેરાઇને ગોપાલને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પથ્થર અને લાકડાના ધોકા તથા લોખંડની મુંઠ વડે તેમજ પાઈપ વડે માર માર્યો હતો. પતિ ઉપર હુમલો થતા પત્ની મંજુબેન વચ્ચે પડતા મહિલાને પણ ફડાકા માર્યા હતાં. તેમજ યુવાનના બે મોબાઇલો તથા ચાંદીની માળા તોડી નાખી આશરે રૂા.15000 ની નુકસાની પહોંચાડી હતી. તેમજ જતાં જતાં પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ ટી. ડી.બુડાસણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ગોપાલભાઈના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.


