Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના ભાડથર ગામે કેબીન રાખવા બાબતે ફાયરિંગ

ખંભાળિયાના ભાડથર ગામે કેબીન રાખવા બાબતે ફાયરિંગ

જૂથ અથડામણ સર્જાતા ભય સાથે દોડધામ: ફાયરિંગ દરમિયાન બે યુવાનો ગંભીર: 17 શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના નાના એવા ભાડથર ગામે ગઈકાલે બપોરે નડતરરૂપ મનાતી કેબિન (દુકાન) ખસેડવા બાબતે ગઢવી પરિવારના દોઢ ડઝન જેટલા શખ્સો કેબીન ધારક આહિર આસામીઓ પર જીવલેણ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. આ બધડાટીમાં આરોપી જૂથ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ દરમિયાન બે યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે અન્ય કેટલાક વ્યક્તિઓને પણ નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા-પોરબંદર રોડ ઉપર આવેલા મહત્વના એવા ભાડથરમાં કુલ આશરે 12 હજારની વસ્તી પૈકી 400 જેટલા લોકો આહિર પરિવારના વસવાટ કરે છે. સાથે ગઢવી, ભરવાડ વિગેરે જ્ઞાતિના લોકો પણ રહે છે. ભાડથર ગામે રહેતા અને ચા પાણીની દુકાન (કેબિન) ધરાવતા કિશનભાઈ વેજાભાઈ કેસરિયા નામના એક આસામીની કેબિનને નડતરરૂપ જણાવી, આ જ ગામના પ્રતાપ રાણસુર ગઢવી નામના શખ્સ દ્વારા છેલ્લા બે દિવસથી તેમની આ કેબિન (દુકાન) ખસેડી લેવાનું કહી, બોલાચાલી કરવામાં આવતી હતી.

ઉપરોક્ત કેબીન રોડની સાઈડમાં પીડબ્લ્યુડીની જગ્યામાં આવેલ હોય, આ કેબિનની પાછળના ભાગે ભાડથર ગામના રહીશ રાણસુરભાઈ ગઢવીએ આશરે છ વર્ષ પહેલા જગ્યા લીધી હતી. જેમાં પ્લોટિંગ કરતા ઉપરોક્ત કેબિનને તેઓએ નડતરરૂપ ગણાવી અને આ કેબિન હટાવી લેવા જણાવ્યું હતું.

- Advertisement -

આ પછી ગઈકાલે બપોરે આશરે સવા બે વાગ્યે કિશન વેજાભાઈ કેસરિયાની કેબિન પાસે જેસીબી લઈને આવેલા રાણસુરભાઈ ગઢવી, પ્રતાપ રાણસુરભાઈ ગઢવી, ભોલા રાણસુરભાઈ ગઢવી, આશા અજુ ગઢવી તેમજ ભારા ખીમાભાઈ ગઢવી, હરી નાથા રૂડાચ, દેવીયા આલા ગઢવી, વિરમ હરદાસભાઈ, સામરા નથુભાઈ, ઈશ્વર વેજાણંદભાઈ, જીવા વેજાણંદભાઈ, કાના કરમણભાઈ, મુન્ના ભોજાભાઈ, ભોજા રાણાભાઈ, શિવદાન હરદાસભાઈ અને વેજાણંદભાઈ વીરપાળભાઈ નામના કુલ સતર જેટલા શખ્સો આ સ્થળે ધસી આવ્યા હતા.

જે પૈકી રાણસુરભાઈના હાથમાં કુહાડી, પ્રતાપભાઈના હાથમાં બાર બોરની બંદૂક તેમજ તેમના ભાઈ ભોલાભાઈ રાણસુરભાઈના હાથમાં પણ બંદૂક તથા અન્ય શખ્સોના હાથમાં લોખંડની ટી, લાકડાના ધોકા વિગેરે જેવા મારક હથિયારો સાથે સ્કોર્પિયો કાર તેમજ જ ટ્રેકટર જેવા વાહનોમાં ટોળા સ્વરૂપે ધસી આવ્યા હતા.

- Advertisement -

આ શખ્સોએ જે.સી.બી. વડે કિશન વેજાભાઈની દુકાન તોડતા કિશનની સાથે રહેલા સાહેદ મેરામણભાઈ કેસરિયા, ભીમશીભાઈ જીવાભાઈ, મયુરભાઈ જીવાભાઈ વિગેરેએ જણાવ્યું હતું કે “આ મારી કેબિન પી.ડબ્લ્યુ.ડી. ની જગ્યામાં છે. તમારી માલિકીની જગ્યામાં ક્યાં છે. તેમ કહેતા ઉશ્કેરાયેલા આરોપી શખ્સે આ કેબિનની પાછળ આવેલી જમીન અમે કરોડ રૂપિયામાં લીધી છે. તારી કેબિન તો અહીંયા રહેવા નથી દેવી. તમે બધા અહીંથી જતા રહો નહિતર આ બંદૂકો, હથિયારો વડે તમારું ઢીમ ઢળી નાખવા માટે અમે બધા આવ્યા છીએ”

આ બનાવ બનતા આ સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને કેબીનધારક કિશન સમજાવટના પ્રયાસો કરતા ઉશ્કેરાયેલા પ્રતાપ ગઢવીએ કિશન પર ફાયરિંગ કરી દેતા તે ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. જ્યારે બીજો ભડાકો દેવાતભાઈ કેશરિયા ઉપર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી શખ્સો ફરિયાદી પરિવારજનો પણ તૂટી પડ્યા હતા. જેથી થોડો સમય ભારે નાશભાગ થઈ ગઈ હતી. આ ડખ્ખામાં 21 વર્ષીય વિદ્યાર્થી યુવાન રામા શીવાભાઈ કેસરિયા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો આમ આ ફાયરિંગ તેમજ બઘડાટીમાં ગંભીર રીતે ઘવાયેલા કિશન વેજાભાઈ કેસરિયા તથા દેવાતભાઈ મેરામણભાઈ કેસરિયાની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે જગાભાઈ, ભીખાભાઈ અને મયુરભાઈ વિગેરેને પણ નાની-મોટી ઈજાઓ સાથે અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ બનાવ બનતા ભાડથરમાં આ વિસ્તારની દુકાનનો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અહીં પરિસ્થિતિ વણસે નહીં તે માટે ગામમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ બનાવ પછી ખાસ બંદોબસ્તમાં રહેલા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તેમજ પી.આઈ. જુડાલ સહિતના સ્ટાફ દ્વારા તાકીદે ઘટના સ્થળે પહોંચી જઈ, જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણ અંગે રામભાઈ શીવાભાઈ કેસરિયાની ફરિયાદ પરથી પોલીસે કુલ સત્તર શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ 307 તેમજ આઈ.પી.સી. કલમ 326, 325, 324, 323, 504, 506 (2), 427 તથા રાયટીંગની કલમ 143, 147, 148, 149, 120 (બી) તથા આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ફાયરિંગની આ ઘટનાએ નાના એવા ભાડથર ગામ સાથે સમગ્ર પંથકમાં ભારે ચકચાર પ્રસરાવી દીધી છે. ભાડથર ગામે આહીર તથા ગઢવી પરિવારો વચ્ચે થયેલા આ ઘર્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. બઘડાટીના આ બનાવમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ભાડથર તથા આસપાસના ગામોમાં મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે માટે એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસે ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થા હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular