ગત વર્ષે દેશના જાણીતા પત્રકાર અને એડીટર વિનોદ દુઆ વિરૂધ્ધ રાજદ્રોહ સહિતની કલમો સાથેની ફરિયાદ નોંધવામા આવી હતી. આજે ગુરૂવારે સુપ્રિમકોર્ટે આ ફરિયાદ ફગાવી દીધી છે. અત્રે નોંધનિય છે કે, દુઆએ એક યુ-ટ્યુબ શો કર્યો હતો જેના વિરૂધ્ધ હિમાચલપ્રદેશના ભાજપાના નેતાએ ગત વર્ષે એફઆઇઆર નોંધાવી હતી.
સુપ્રિમકોર્ટે આ કેસના અનુસંધાને જણાવ્યું છે કે, 60 વર્ષ પહેલા કેદારનાથ સિંઘ વિરૂધ્ધ સ્ટેટ ઓફ બિહાર કેસમાં પાંચ ન્યાયમૂર્તિઓની સુપ્રિમકોર્ટની બેન્ચે જે કાયદો બનાવ્યો હતો તે કાયદાને દેશભરની પોલીસે આ પ્રકારની એફઆઇઆર નોંધતી વખતે અને પત્રકારોની ધરપકડ કરતી વખતે અનુસરવો જરૂરી છે.
60 વર્ષ પહેલા કેદારનાથસિંઘ કેસમાં સુપ્રિમકોર્ટે જણાવ્યું હતું કે, પ્રજાકિય હિતમાં દેશના કોઇપણ નાગરિકે કોઇ ટિકા અથવા કોમેન્ટ સરકારના કોઇ કૃત્ય ઉપર કરી હોય તેના વિરૂધ્ધ રાજદ્રોહનો કેસ થઇ શકે નહીં. દેશના પ્રત્યેક નાગરિકને વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યકિતનો અધિકાર છે.
જો કે, ન્યાયમૂર્તિ યુ.યુ.લલિત અને ન્યાયમૂર્તિ વિનિત સરણએ દુઆની એ અરજી નકારી કાઢી છે કે જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે, પાછલા 10 વર્ષમાં દેશમાં જે પત્રકારો વિરૂધ્ધ રાજદ્રોહનો કેસ થયો હોય તે તમામ રાજ્યોમાં આ કેસોની સમિક્ષા કરવા માટે ઉચ્ચકક્ષાની કમિટિઓ બનાવવામાં આવે.
આ અગાઉ સુપ્રિમકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, આ કેસના અનુસંધાને હિમાચલ પ્રદેશની પોલીસે દુઆને જે પુરક પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. તેનો જવાબ આપવાની દુઆને જરૂર નથી.
ગત વર્ષે 6મે ના દિવસે હિમાચલ પ્રદેશ પોલીસે આઇપીસીની કલમો હેઠળ દુઆ વિરૂધ્ધ રાજદ્રોહ, કલમ 268 હેઠળ પબ્લિક ન્યુસન્સ (જાહેરમાં ઉપદ્રવ મચાવવો), ઉશ્કેરણીજનક સાહિત્ય છાપવું અને જાહેરમાં અયોગ્ય વર્તન સહિતની કલમો સાથે સીમલા જિલ્લાના કુમારસેન પોલીસ સ્ટેશનમાં ભાજપાના નેતા શ્યામ દ્વારા એફઆઇઆર નોંધવવામાં આવી હતી. અને દુઆને તપાસમાં સહકાર આપવા કહેવામાં આવ્યું હતું.
ભાજપાના નેતાએ એફઆઇઆરમાં એવો આક્ષેપ કર્યો હતો કે, દુઆએ પોતાના એક યુ-ટ્યુબ શો માં એમ જણાવ્યું હતું કે, મતો મેળવવા માટે પ્રધાનમંત્રી મૃત્યુ અને આતંકવાદી હુમલાનો ઉપયોગ કરી રહ્યા છે.