ઈન્દોરના રાઉમાં આવેલી બહુમાળી પપાયા ટ્રી હોટલમાં બુધવારે ભીષણ આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે તે હોટલના તમામ માળ સુધી પહોંચી ગઈ છે. આગ લાગતાની સાથે જ હોટલના રૂમમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેના કારણે હોટલમાં અફરા-તફરી મચી ગઈ હતી. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગ્યા બાદ વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. ફસાયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. માહિતી મુજબ, સાત માળની હોટલ પપાયામાં ફસાયેલા લોકોને ઉંચી સીડીઓ લગાવીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ક્રેનની મદદથી તેમને બહાર કાઢવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે કેટલાક લોકો રૂમની બારી પર ચાદર બાંધીને હોટલમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.