ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસે ખાતર ભરેલા ટ્રકમાં ગઇકાલે સવારના સમયે આગ લાગતાં ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ નજીક આવેલા સોયલ ટોલનાકા પાસે ખાતર ભરેલા ટ્રકમાં ગઇકાલે સવારના સમયે આગ લાગી હતી. ટ્રક ચાલક અને ક્લિનર ટોલનાકા પાસે ટ્રક ઉભો રાખી ચા પીવા ગયા હતાં. આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ખાતરનો જથ્થો બળી ગયો હતો. આ ઘટનાની જાણ કરાતાં ધ્રોલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ આગને કારણે ટ્રકનો આગળનો ભાગ તેમજ ખાતરનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.