લાલપુર તાલુકાના રકકા ગામની બહાર ગોચરની જમીનમાં બકરા ચરાવવાનો ખાર રાખી માલધારી પ્રૌઢ ઉપર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા અને તલવાર વડે હુમલો કરી ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના રક્કા ગામના ભરવાડવાસમાં રહેતાં નોંધાભાઈ હરીભાઇ ટારીયા (ઉ.વ.50) નામના આધેડ અને તેનો પુત્ર સુરેશ ગામની બહાર પહાડી ગૌચર જમીનમાં બકરા ચરાવતા હોય જે બાબતનો ખાર રાખી શુક્રવારે બપોરના સમયે નારણ ખરા, અનિલ ઉર્ફે લાલો નારણ ખરા અને હનિફ મામદ ગામેતી નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા વડે હુમલો કરી સુરેશને ઈજા પહોંચાડી હતી તેમજ પ્રૌઢને ઢીકાપાટુનો માર મારી તલવારનો ઘા ઝીંકયો હતો. ઉપરાંત ત્રણેય શખ્સોને ગાળો કાઢી બીજીવાર અહીં બકરા ચરાવતા દેખાશો તો પતાવી દેશું તેવી ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો કે.જે. જાડેજા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.