જામનગર શહેરના સાધના કોલોની પાછળ આવેલા કૃષ્ણપાર્ક સોસાયટીમાં પતિથી અલગ રહેતી પત્નીએ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી પત્નીને ડીઝલ જેવું પ્રવાહી પીવડાવી જેક વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં પતિથી અલગ રહેતા મંજુબેન સોનગરા (ઉ.વ.34) નામની મહિલા બુધવારે રાત્રિના સમયે તેણીના ઘરે હતી ત્યારે તેનો પતિ હરી અરજણ સોનગરા આવીને પત્નિને ડીઝલ જેવી ઝેરી પ્રવાહી પીવડાવી લોખંડના જેક જેવી વસ્તુના માથામાં આડેધડ ઘા માર્યા હતાં અને કપાળ ઉપર ઘા ઝીંકયા હતાં. પતિ દ્વારા કરાયેલા જીવલેણ હુમલામાં ઘવાયેલી પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ વી.એસ. વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મંજુબેનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં મળતી વિગત મુજબ, મંજુબેન પતિથી અલગ રહેતાં હતાં અને હાલમાં જ તેણીએ તેના પતિ વિરૂધ્ધ કરેલી ફરિયાદનો ખાર રાખી પતિએ પત્નિની હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે પતિ હરી અરજણ સોનગરા વિરૂધ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં ફરિયાદનો ખાર રાખી પતિ દ્વારા પત્ની ઉપર જીવલેણ હુમલો
અલગ રહેતી પત્નીને ડીઝલ જેવું પ્રવાહી પીવડાવ્યું : લોખંડના જેક જેવા હથિયારના આડેધડ ઘા ઝીંકયા : ઘવાયેલી પત્નીને હોસ્પિટલ ખસેડાઇ