જામનગર શહેરના ગોકુલનગરમાં દલવાડીનગર વિસ્તારમાં પરિવારની ઈચ્છા વિરુધ્ધ લગ્ન કર્યાની બાબતનો ખાર રાખી પિતા-પુત્રએ યુવાન ઉપર લોખંડના એંગલ અને કુહાડા વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. સામા પક્ષે પણ શખ્સે યુવાન ઉપર ઝઘડો કરી કુહાડાનો ઘા મારી હત્યાના પ્રયાસની સામસામી નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
હત્યાના પ્રયાસની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરતાં અશોકભાઈ મનજીભાઈ આરઠીયા નામના આધેડની પુત્રીએ રવિ પાટડિયા સાથે પરિવારની ઈચ્છા વિરુધ્ધ લગ્ન કર્યા હતાં. જે બાબતનો ખાર રાખી જગદીશ જીવણ ડાભી અને તેના પુત્ર દ્વારા રવિવારના બપોરના સમયે આંતરીને અશોકભાઇ ઉપર કુહાડાનો જીવલેણ ઘા માર્યો હતો તેમજ જગદીશભાઇના પુત્રએ લોખંડની એંગલનો વાંસામાં તથા હાથમાં ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ જગદીશભાઈ ડાભી ઉપર તેના ભાણેજ રવિ પાટડિયાની સગાઈ અશોક આરઠીયાની પુત્રી પુનમ સાથે થયા બાદ તૂટી ગઈ હતી અને અશોકની પુત્રી જગદીશની રીક્ષામાં મજૂરીકામે જતી હતી દરમિયાન રવિ પાટડિયા તથા પૂનમ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતાં આ પ્રેમલગ્નમાં જગદિશે મદદ કરી હોવાની શંકા કરી અશોક મનજી આરઠીયાએ કૂહાડા વડે પ્રાણઘાતક ઘા મારી ઈજા પહોંચાડી હતી.
સામાસામા કરાયેલા જીવલેણ હુમલાના બનાવમાં ઘવાયેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીએસઆઈ એચ.ડી. હિંગરોજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ અશોકભાઈ આરઠીયાની જગદીશ ડાભી અને તેના પુત્ર વિરુધ્ધ તથા સામા પક્ષે જગદીશ ડાભીની અશોક આરઠીયા વિરુધ્ધ હત્યાના પ્રયાસનો સામસામો ગુનો નોંધી તપાસ આરંભી હતી.