રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – હાપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે રૂ. 85 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત ભોજનાલય અને રૂ.65 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત આરામ ગૃહનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, હાપા એપીએમસી ખાતે ખેડૂત ભાઈઓ માટે ભોજનાલય અને ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. જેના થકી યાર્ડમાં જ ખેડૂતોને નહિવત દરે શુદ્ધ ભોજન અને આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે રજૂ કરેલા “જ્ઞાન” ચાર પિલ્લર એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ પૈકી અન્નદાતા તરીકે ખેડૂતો મુખ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો પ્રત્યે હર-હંમેશ સંવેદના દર્શાવે છે. તેમના પ્રયાસોથી ખેડૂતોનું જીવન ઉન્નત થયું છે.
સૌની યોજના થકી ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે. ખેડૂતોને 24 કલાક વીજળી મળી શકે તે હેતુથી સરકારે જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત પણ ખેતીમાં ખેડૂતોને ઉપયોગી થઈ શકાય તે માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે. નાના ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે, એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને ખેતી માટે પાણી અને વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ અને ખેડૂત કલ્યાણને કેન્દ્રમાં રાખ્યા છે. ખેડૂતોને મળતી સહાય ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી જમા થાય છે. અગાઉ ખેડૂતો પાસેથી પાક ધીરાણ પર 18% વ્યાજ વસૂલવામાં આવતું હતું. હવે ખેડૂતોને રૂ.3 લાખ સુધીની રકમ ઉપર વ્યાજમાફી મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કૃષિ, ઉદ્યોગ,ખેડૂત ત્રણે એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્ર્વિક શિખરો સર કરે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. દેશમાં પ્રથમ વખત સહકાર મંત્રાલય શરૂ કરવાના આવ્યું છે, જેના થકી ખેડૂતોને ફાયદો થયો છે. રાસાયણિક ખાતરો અને દવાઓ થકી જમીનની ફળદ્રુફતા ઘટે છે અને ખેડૂતોનો પણ ખેતી ખર્ચ વધે છે. ખેડૂતોની આવક વધે, નહિવત ખર્ચ થાય, જમીનનું સ્તર સુધરે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સરકારે પ્રાકૃતિક ખેતી અભિયાન વેગવંતુ બનાવ્યું છે. જેના પ્રચાર માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત રાજ્યના જિલ્લાઓમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવે છે. વડાપ્રધાનએ શરૂ કરાવેલ સ્વદેશી અભિયાનમાં જોડાઈને ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરવું જોઈએ.
View this post on Instagram
મંત્રી મોઢવાડિયાએ ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય મળે, તેમની મહેનતનું સન્માન થાય તે માટે ખજઙ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. અતિવૃષ્ટિ ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી કરે છે. આ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોને સહાય આપી આર્થિક ટેકો પૂરો પાડે છે. સરકારનો ઉદ્દેશ માત્ર રાહત આપવાનો નથી પરંતુ ખેડૂતોને ફરી ઊભા થવામાં મદદરૂપ બનાવાનો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવે તે પ્રકારે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.ખેડૂત કલ્યાણ સરકારની પ્રાથમિકતા છે. જો ખેતી સમૃદ્ધ હશે તો દેશ સમૃદ્ધિના શિખરો સર કરી શકે છે. કાર્યક્રમમાં હાપા એપીએમસીના હોદ્દેદારો દ્વારા મંત્રી મોઢવાડિયાનું ફૂલહાર અને હળની પ્રતિકૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર કેતન ઠક્કર, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, અગ્રણીઓ ડો. વિનોદભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, આર.સી.ફળદુ, ચીમનભાઈ સાપરીયા, ચંદ્રેશ પટેલ, ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લી.ના ચેરમેન જીતેન્દ્ર લાલ, એપીએમસીના સભ્યો, અધિકારીઓ, અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


