જામનગર શહેરના સુભાષમાર્કેટ પાસે રહેતાં યુવાન બાઈક લઇને આવતો હતો તે દરમિયાન બે બાઈક સામસામી થઈ જતાં ત્રણ શખ્સોએ યુવાનને તલવારનો હાથો મારી ધોકા વડે લમધારી ઈજા પહોંચાડી હતી. સામાપક્ષે ચાર શખ્સોએ યુવાન ઉપર લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી ઘરમાં નુકસાન પહોંચાડયું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં સુભાષ માર્કેટ ધનબાઈના ડેલા પાસે રહેતો કરણ ઉર્ફે કિશોર અરવિંદભાઈ ચૌહાણ નામનો તેનું બાઈક લઇને આવતો હતો તે દરમિયાન ચેતન નરેન્દ્ર પરમાર પણ બાઈક લઇને સામે આવી જતાં ચેતને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી, થપાટ મારી ઝપાઝપી કરી હતી તેમજ ભાવિન નરેન્દ્ર પરમાર અને નરેન્દ્ર પરમારે તલવાર અને લાકડાના ધોકા વડે ધસી આવી તલવારનો હાથો મારી ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. સામા પક્ષે પણ ચેતન નરેન્દ્ર પરમાર ઉપર કરણ ઉર્ફે કિશોર અરવિંદ ચૌહાણ, તેજસ પરમાર, અર્જુન રાજુ ચૌહાણ, ઋત્વિક સુરેશ ચૌહાણ નામના ચાર શખ્સોએ એકસંપ કરી ચેતનને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ સારવાર બાદ બાઈક લઇને પરત આવતો હતો ત્યારે ચેતન ઉપર તેજસ તથા અર્જુન અને ઋત્વિકે લાકડાના ધોકો લઇ આવી આંતરીને અપશબ્દો બોલી ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ ચેતનના ઘરના દરવાજામાં ધોકા મારી નુકસાન પહોંચાડયું હતું.
નજીવી બાબતે બે પરિવાર દ્વારા કરાયેલા સામસામા હુમલાના બનાવમાં પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફે કરણ ઉર્ફે કિશન ચૌહાણની ત્રણ શખ્સો સામેની તથા સામાપક્ષે ચેતન પરમારની ચાર શખ્સો સામે હુમલાની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.