રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાઇનો લાગી રહી છે. તો બીજી તરફ સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે લાઇનો જોવા મળી રહી છે. જેને લઇને સ્મશાનોમાં લાકડા સહિતની અંતિમ સંસ્કારની સામગ્રી ખુટી રહી છે.
જામનગર જિલ્લાના કાલાવડ ગામમાં સ્મશાનમાં લાકડાં ખૂટી ગયા છે. કોરોના મહામારીને કારણે છેલ્લા 15 દિવસથી દૈનિક ચાર થી પાંચ મૃતદેહો અંતિમક્રિયા માટે આવી રહ્યા છે ત્યારે હવે સ્મશાનમાં લાકડાઓનો જથ્થો ખૂટી જતા સામાજિક સંસ્થા દ્રારા ગ્રામ્યસ્તરે લોકોને મદદ કરવા અપીલ કરી છે અને લાકડાઓ પહોંચાડવા માટે હાકલ કરી છે. લાકડાની સાથે સંસ્થા દ્રારા તાત્કાલિક અસરથી સ્મશાનમાં ખાટલા પણ વધાર્યા છે.
જો કોઈ પણ લોકોએ લાકડાની મદદ કરવી હોય તો કાલાવડ ધોરાજી હાઇવે પર આવેલ ખોડિયાર ગરબી મંડળની ઓફીસે લોકોએ સંપર્ક કરવા જણાવ્યુ છે. સંસ્થાના પ્રમૂખના જણાવ્યા પ્રમાણે કોરોનોનો જામનગર જિલ્લામાં અજગર ભરડો છે તેવા સમયે ગ્રામ્યસ્તરેથી પણ લોકો કાલાવડના સ્મશાનગૃહમાં અંતિમવિધી કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે સરકારે આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. સંસ્થાના પ્રમુખે લોકોને અપીલ કરી કે આ પરિસ્થિતિમાં મદદ કરવા આગળ આવાનું કહેવામાં આવ્યું. જેથી લોકો પોતાના સ્વજન ના અંતિમ સંસ્કાર સારી રીતે કરી શકે. આ તરફ લાકાડાની માંગને પહોંચી વળવા માટે ગ્રામ્યસ્તરેથી લોકો પહોંચી રહ્યા છે અને નગરપાલિકાની મદદથી લાકડાનો જથ્થો પહોંચાડી રહ્યા છે. કાલાવડ નગરપાલિકા સદસ્યના જણાવ્યાં અનુસાર આ કાલમેઘડા ગામના મુસ્લિમ પરિવારે સ્મશાન માટે લાકડા નો મોટી માત્રામાં જથ્થો પહોંચાડ્યો. માનવ સેવા એ જ પ્રભુ સેવા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.