જામનગર શહેર સ્મશાન પાસેથી વિનાયક પાર્કથી ગાંધીનગર રેલવે સ્ટેશન સુધીના ડીપી રોડનું ખાત મુહુર્ત કરવા સામાજિક કાર્યકર સુભાષભાઇ ગુજરાતી તથા દિલીપસિંહ જેઠવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જામનગરમાં સ્મશાનથી વિનાયક પાર્ક ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી ડીપી રોડ છેલ્લા આઠ-દશ વર્ષથી મંજુર થયેલ છે અને નકશા ઉપર પણ આ ડીપી રોડ બતાવવામાં આવે છે. આ અંગે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ ડીપી રોડનું ખાત મુહુર્ત થયું નથી. જો ડીપી રોડ બની જાય તો 1 લાખ જેટલા લોકોને ફાયદો થાય તેમ છે. ડીપી રોડ નજીકના વિસ્તાર સ્વામીનારાયણનગર, ભીમવાસ, નવાગામ ઘેડ, વિનાયક પાર્ક, રામેશ્ર્વરનગર, ગાંધીનગર, રાંદલનગર, પટેલવાડી, નાગેશ્ર્વર અને બેડીના વિસ્તારને ફાયદો થાય તેમ છે. આ વિસ્તાર સ્લમ વિસ્તાર છે. તેમાં 80 ટકા વસ્તી મજૂર વર્ગની છે અને તેને આવક-જાવક બહુ ઉપયોગી થાય તેમ છે. આથી આ અંગે ધ્યાન દઇ વ્હેલી તકે ડીપી રોડનું ખાત મુહુર્ત કરી અલગથી ગ્રાન્ટ મંજુર કરવા જામનગર નવાગામઘેડના રાજપૂત સમાજ પ્રમુખ દિલીપસિંહ જેઠવા તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી અને જામનગર જિલ્લા સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઇ ગુજરાતી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઇ છે.