ભારત અને યુગાન્ડામાં કોરોના વાયરસ સામે રક્ષણ માટે કોવિડશીલ્ડ રસીની બનાવટી ક્ધસાઇન્મેન્ટ મળી આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ છેલ્લા એક મહિનામાં મળેલી જુદી જુદી ફરિયાદોના આધારે આ ખુલાસો કર્યો છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણે પાસેથી માહિતી લીધા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારત અને યુગાન્ડા બંનેને કડક કાર્યવાહી માટે અપીલ કરી છે. એક નિવેદન બહાર પાડતા, ડબ્લ્યુએચઓ હેડક્વાર્ટર જિનીવામાં જણાવ્યું હતું કે કોવિશિલ્ડની નકલી રસી ભારત અને યુગાન્ડામાં મળી આવી છે. આ રસીઓ પર બેચ નંબર ખોટો લખવામાં આવ્યો છે.
વળી, રસીનો જથ્થો પણ 2 મિલી લખવામાં આવે છે, જ્યારે સીરમ કંપનીના જણાવ્યા મુજબ, એક શીશીમાં 10 થી 12 મિલી રસી હોય છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે ભારતમાં મળેલી નકલી રસીમાં બેચ નંબર, ઉત્પાદનની તારીખ અને સમાપ્તિ તારીખ લખેલી નથી. જ્યારે યુગાન્ડામાં મળતી નકલી રસીની ઉત્પાદન તારીખ નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નકલી રસીની ફરિયાદ વિચારણા હેઠળ છે. આ તપાસ દેશભરમાં જિલ્લા કક્ષાએ હાથ ધરવામાં આવશે.