ચીનના કસ્ટમ્સ વિભાગે જાહેર કરેલા ડેટા અનુસાર ચીનના ભારત સાથેના વાર્ષિક વ્યાપારમાં 2021ના પહેલા પાંચ મહિનામાં જ 70 ટકાનો જંગી વધારો નોંધાયો છે. કોરોનાના બીજા વેવનો સામનો કરવા માટે ભારતે ચીન પાસેથી મેડિકલ ગુડ્ઝની આયાતમાં વધારો કરતાં ચીનની ભારત તરફી નિકાસમાં 64.1 ટકાનો જંગી વધારો થયો હતો. જ્યારે કે આયાતમાં એથીય મોટો 90.2 ટકાનો વધારો થયો હતો. 2021ના જાન્યુઆરીથી મે મહિનામાં બંને દેશો વચ્ચેનો વ્યાપાર 4800 કરોડ ડોલરે પહોંચી ગયો છે. ચીનના સરકારી માલિકીના મીડિયાએ વ્યાપારની આ વૃદ્ધિને સ્પેક્ટેક્યૂલર કહીને બંને દેશો વચ્ચે વધતી વ્યાપારી દોસ્તીની નિશાની ગણાવ્યા હતા. સરહદે રાજકીય તણાવ હોવા છતાં વ્યાપારમાં આવી તંદુરસ્ત વૃદ્ધિને આવકાર્ય ગણાવી હતી. મીડિયાએ સ્વીકાર કર્યો હતો કે બેઇજિંગના બીજા કોઈપણ દેશ સાથેના વ્યાપાર કરતાં ભારત સાથેનો વ્યાપાર વધારે રહ્યો હતો. આ હકીકત એ વાતની સાબિતી છે કે સરહદ ઉપર અરસપરસ ઘૂસણખોરીથી સર્જાયેલા રાજકીય ટેન્શનને વ્યાપાર જગતે ખંખેરી નાંખ્યું છે.
વ્યાપારના આ આંકડા ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. અહેવાલની વિગતો અનુસાર ચીનની ભારતમાં નિકાસ એપ્રિલ અને મે મહિનામાં જબરજસ્ત વધી ગઈ હતી.
એપ્રિલ 2021 પહેલાં પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચીન અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વ્યાપાર 27,700 કરોડ ડોલરે પહોંચ્યો હતો. વાર્ષિક સંદર્ભે ગણતાં એ વધારો 42.8 ટકાનો થતો હતો. એ પછીના બે મહિનામાં કોરોનાનો બીજો વેવ વ્યાપક બનતાં એનો સામનો કરવા ભારતીય કંપનીઓએ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર જેવાં તબીબી સાધનો અને દવાઓ બનાવવાના બેઝિક રસાયણો વગેરે મેડિકલ ગુડ્ઝ મોટા પાયે ભારત મંગાવતાં વ્યાપારમાં જબરજસ્ત ઉછાળ આવ્યો હોવાનું માનવામાં આવે છે.