ગુજરાત સરકાર દ્વારા વેટની આવકમાં ઘટાડો થવા માટે થોડા સમય પૂર્વે બાયોડિઝલ તેમજ એલડીઓ વેચાણકર્તા પર દરોડા પાડી ખોટી રીતે વેચાણ કરતાં હોવાથી બંધ કરાવ્યું હતું. જેની સીધી અસર ગુજરાત સરકારની વેટ આવકની તિજોરી પર થઇ અને વેટની આવકમાં વધારો જોવા મળ્યો હતો.
આજ રીતે સમગ્ર ગુજરાતમાં કન્ઝ્યુમર પંપો પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ધમધમી રહ્યાં છે. આ કન્ઝ્યુમર પંપમાં માત્ર ડિઝલનું જ વેચાણ થતું હોય છે અને ડિઝલ પંપો પોતે જ વપરાશકર્તા હોય, માત્ર પોતાના જ વાહનોમાં વપરાશ માટે ડિઝલ આપવામાં આવે છે અને પોતે સીધા વપરાશકર્તા હોય, બજાર ભાવ કરતાં રૂા. 2 પ્રતિ લીટર સસ્તાભાવે તેમને ડિઝલ મળતું હોય છે. પરંતુ અમુક ખાનગી કંપનીઓ કન્ઝ્યુમર પંપો આપી અને ખુલ્લા બજારમાં પ્રતિ લિટર રૂા. 2ના ઓછા ભાવે વેચાણ કરવા કોઇ રોકટોક વિના વેચાણ કરાવે છે. આવા પંપ જામજોધપુર તાલુકામાં જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ચલાવાય છે.
જામનગર-પોરબંદર તેમજ જુનાગઢ જિલ્લા સહિત ગુજરાતભરમાં આવા પંપો છે. જેની સીધી અસર ગુજરાત સરકારની તિજોરી પર પડે છે અને સરકારને કરોડો રૂપિયાની વેટની નુકસાની થાય છે. સરકાર એક-બે ઉદ્યોગપતિઓને સાચવવા અને પ્રાઇવેટ કંપનીઓ સાચવવા સરકારી તિજોરીને નુકસાનકારક કરોડોની વેટ ચોરી કૌભાંડ નજર અંદાજ કરી રહી છે. આ બાબતે પેટ્રોલ પંપ માલિકોએ સરકારને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં ભેદી મૌન ધારણ કરી શા માટે બેઠી છે? તેમ જામજોધપુર પેટ્રોલિયમ ડિલર એસો.ના પ્રમુખ હરેશ બારીયા દ્વારા સવાલ ઉઠાવાયો છે. આ ઉપરાંત આ અંગે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસો. દ્વારા પણ નવેમ્બર માસમાં નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી.