Monday, January 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાપાલિકાના કર્મચારીઓ માસ્કના દંડની વસૂલાત માટે રઘવાયા થયા…!

જામનગર મહાપાલિકાના કર્મચારીઓ માસ્કના દંડની વસૂલાત માટે રઘવાયા થયા…!

ઓફિસમાં એકલા બેસેલા વ્યકિત પાસેથી માસ્કનો દંડ ઉઘરાવ્યો : દોઢ માસ દરમિયાન માસ્કના 637 અને સોશિયલ ડિસ્ટન્સીંગના 3273 કેસ : રૂા.15.51 લાખની વસૂલાત

- Advertisement -

જામનગર શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરતા અને માસ્ક ન પહેરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત તંત્ર એ છેલ્લાં 43 દિવસ દરમિયાન માસ્કના 637 અને સોશિયલ ડિસ્ટન્સીંગના 3273 કેસ નોંધી રૂા.15,51,540 ની રકમ દંડ પેટે વસૂલ કરી હતી.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ઝડપી અને ઘાતક રીતે વકરી રહ્યું છે. આ સંક્રમણને અટકાવવા માટે જામનગર શહેરમાં મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ અને માસ્ક ન પહેરતા લોકો વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ, દુ:ખદ બાબત એ છે કે, આ કાર્યવાહીમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ દંડની વસૂલાત માટે કોમર્શિયલ કોમ્પલેક્ષના પ્રથમ કે બીજા માળે જઈ ઓફિસની ચેમ્બરમાં એકલા બેસેલા વ્યકિત પાસેથી પણ માસ્ક ન પહેરવાનો દંડ વસૂલ કરવા લાગી ગયા છે. આવી કાર્યવાહીથી લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારે જ આવી એક ઘટનામાં શહેરના એક કોમ્પલેક્ષમાં પ્રથમમાળે હોસ્પિટલમાં તેની ચેમ્બરમાં એકલા બેસેલા એક વ્યકિત પાસે આ કર્મચારીઓ પહોંચી ગયા હતાં અને માસ્ક ન પહેરવાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેથી વ્યકિતએ ઉગ્ર દલીલો કરી હતી. પરંતુ, માસ્ક ન પહેરવાનો દંડ વસુલવામાં રઘવાયા બની ગયેલા કર્મચારીઓએ વ્યકિતની એક પણ દલીલ સાંભળી ન હતી અને આખરે રૂા.500 નો દંડ વસૂલ કર્યા બાદ જ સંતોષ માન્યો હતો.

આવા તો અનેક કિસ્સાઓ બનતા હોય છે અને આ દંડ ઉઘરાવનારાઓ જાણે કે ટાર્ગેટ પૂર્ણ કરી ઈનામ મેળવવાના હોય તેેવી રીતે કામગીરી કરે છે. આ રીતે દંડ ઉઘરાવવાની કામગીરીથી શહેરીજનોમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો છે અને તંત્ર દ્વારા માત્ર તીજોરી ભરવા માટે જ માસ્કનો દંડ કરવામાં આવી રહ્યો હોય જેથી અધિકારીઓએ આ મામલે ગંભીરતાથી વિચાર કરી અને નિષ્પક્ષ કામગીરી અંતર્ગત માસ્કનો દંડ વસૂલવામાં આવે તેવી અપેક્ષા શહેરીજનો રાખી રહ્યા છે.

છેલ્લાં 43 દિવસથી શરૂ કરાયેલી કામગીરીમાં માસ્ક અંગેના 637 કેસમાં 6,56,500 નો દંડ વસૂલ્યો હતો. જ્યારે 3273 સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના કેસ નોંધી 8,95,040 ના રકમની વસૂલાત કરવામાં આવી હતી. આમ કુલ 3,910 કેસ નોંધી રૂા.15,51,540 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને આ કાર્યવાહી સાથે-સાથે 118 મિલ્કતો સીલ કરવામાં આવી હતી તેમજ 253 દુકાનો સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગ સબબ સીલ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular