ઇલેકશન કમિશનર દ્વારા આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજવાની જાહેરાત કરતાં જ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીઓને લઇને ઉત્તેજના વ્યાપી ગઇ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં બન્ને રાજયોમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. જો કે, આજે યોજાનારી આ પ્રેસ કોન્ફરન્સમાં પંચ માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોનું એલાન કરે તેવી વિશેષ સંભાવનાઓ છે. જયારે આગામી સપ્તાહ દરમ્યાન ગુજરાતમાં આયોજિત રાજકીય કાર્યક્રમોને જોતાં ગુજરાતની તારીખોની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના ઓછી જણાઇ રહી છે. સંભવત: દિવાળી બાદ જ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે. જો કે, સ્પષ્ટ ચિત્ર બપોરે 3 વાગ્યા બાદ જ જાહેર થશે.
2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું. ગત વખતે 10 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે તારીખો જાહેર થઈ હતી
ગુજરાતમાં આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા ઓછી એટલા માટે લાગે છે. રાજકિય નિષ્ણાતોના મત મુજબ હજી ગુજરાતમાં ઘણાં બધા સરકારી કાર્યક્રમો બાકી છે. એક તો ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજીત છે. જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ અમુક કારણોથી તે પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સ-પો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે.
ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું હતું કે, આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષોની તુલનામાં 934 મહિલાઓ છે. ગુજરાતમાં 11,800 મતદાતાઓ 100 વર્ષની ઉંમર ધરાવે છે.