જામનગરમાં ઢીચડા ગામ નજીક આવેલા વાડી વિસ્તારમાં હિટાચી મશીન દ્વારા ભૂગર્ભ ગટરની ખોદાઈનું કામ ચાલુ હતું તે દરમિયાન ડ્રાઈવર દ્વારા બેદરકારીપૂર્વક હિટાચી ચલાવતા પ્રૌઢાને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં હિટાચીના ડ્રાઈવર વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ઢીચડા ગામમાં ઈકબાલ જુમા ખફીની વાડી પાસે સોમવારે સાંજના સમયે ભૂગર્ભ ગટરનું ખોદાઈ કામ કરવા માટે હિટાચી મશીન દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન શંકરના મંદિર પાસે રહેતાં મઘીબેન ઉર્ફે મધુબેન અને આઈશાબેન નામના બે મહિલાઓને હિટાચી મશીને બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં મઘીબેન ઉર્ફે મધુબેનનું મોત નિપજયું હતું જ્યારે આઈશાબેનને શરીરે ઇજા પહોંચી હતી આ ઘટના બાદ હિટાચી મશીનનો ડ્રાઈવર નાશી ગયો હતો. ત્યારબાદ બનાવની જાણ વિરજીભાઈ દ્વારા કરવામાં આવતા એએસઆઈ એચ.કે. ચાવડા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.


