દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવા પેઢીને નશાની લત લગાડી ગાંજાનું વાવેતર તથા વેચાણ કરવા સબબ એસ.ઓ.જી. પોલીસે ગત રાત્રીના સમયે કડક કાર્યવાહી કરી 70 વર્ષીય વૃદ્ધને 6.20 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ-જુગાર, ગેરકાયદેસર રીતે બોકસાઈટ ખનન સહિતની ગેરકાયદેસર તથા સમાજ વિરોધી પ્રવૃતિ ડામવા માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અહીંના એસ.ઓ.જી. વિભાગને પણ આ અંગે જરૂરી સૂચનાઓ આપતા એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. જે.એમ. ચાવડા તથા પી.એસ.આઈ. એ.ડી. પરમાર અને સ્ટાફ દ્વારા ગત સાંજે જિલ્લામાં પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.
એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા દ્વારકા પંચકમાં પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હેડ કોન્સ્ટેબલ જીવાભાઈ ગોજીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ દ્વારા દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા રામેશ્વર વિસ્તારમાં શ્રી રામદેવપીરના મંદિરની બાજુમાં રહેતા બાલુભાઈ રાજાભાઈ ભવાનભાઈ ખાવડીયા નામના 70 વર્ષીય વૃદ્ધના રહેણાંક મકાનમાં મોડી રાત્રીના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળે પોલીસ કાર્યવાહી દરમ્યાન ઉપરોક્ત વૃધ્ધ દ્વારા પોતાના અંગત ફાયદા માટે પોતાના કબજા ભોગવટાના રેણા મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ (ગાંજા) નું વાવેતર કરવામાં આવ્યું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આ અંતર્ગત પોલીસે જરૂરી કાર્યવાહી કરી, ઉપરોક્ત દ્વારા વાવવામાં આવેલ ગાંજાના આશરે 56.786 ગ્રામ વજનના અને રૂ. 5,67,860/- ની કિંમત ધરાવતા 43 નંગ લીલા છોડ તેમજ રૂ. 53,140/-ની કિંમતના પાંચ કિલો 313 ગ્રામ સુકો ગાંજો અને રૂપિયા 500ની કિંમતનો એક નંગ મોબાઈલ ફોન પોલીસે કબ્જે કર્યો છે.
આમ, રૂ. 6,20,490/- ની કિંમતના 62.049 કિલોગ્રામ ગાંજા સાથે પોલીસે બાલુભાઇ રાજાભાઈ ખાવડીયાની અટકાયત કરી, વધુ તપાસ અર્થે તેનો કબ્જો દ્વારકા પોલીસને સોંપ્યો છે.
નોંધપાત્ર માત્રામાં ગાંજાનો જથ્થો કબજે કરવા અંગેની આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. સ્ટાફના પી.આઈ. જે.એમ. ચાવડા સાથે એ.ડી. પરમાર, અશોકભાઈ સવાણી, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, લાખાભાઈ આંબલીયા, જીવાભાઈ ગોજીયા, ઇરફાનભાઈ ખીરા તથા દિનેશભાઈ માડમ દ્વારા કરવામાં આવી હતી.