કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે ગઈકાલે ઢળતી સાંજે એક વિસ્તારમાં એલસીબી પોલીસે બાતમીના આધારે જુગાર દરોડો પાડી, આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસ દ્વારા બે મોટરકાર, ચાર મોબાઈલ તેમજ રોકડ રકમ સહિત કુલ રૂા. 2.63 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી શ્રાવણી તહેવારોને અનુલક્ષીને દારૂ તથા જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા અંગે જિલ્લા પોલીસ નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે મંગળવારે કલ્યાણપુર પંથકમાં ખાસ પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી હતી.
જે અંતર્ગત એલસીબીના એ.એસ.આઈ. દેવશીભાઈ ગોજીયા, ભરતભાઈ ચાવડા તથા મસરીભાઈ ભારવાડીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે નંદાણા ગામે ગત સાંજે એક મંદિર પાસે બેસી, જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમી રહેલા વિક્રમ મુરૂ માતંગ, વિનોદ રાજશી લગારીયા, કારા ભાયા આંબલીયા, જયેશ શાંતિલાલ આરંભડીયા, ભરત હરિલાલ રાજ્યગુરૂ, સવદાસ બોઘા સુવા, રાજુ નટુભાઈ નિમાવત અને નારણ પાલા આંબલીયા નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂા.31,820 રોકડા, રૂા. 11,000ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન તથા રૂા.2.20 લાખની કિંમતની બે મોટરકાર મળી કુલ રૂા.2,62,820 નો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાની સૂચના મુજબ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, અજીતભાઈ બારોટ, ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, દેવશીભાઈ ગોજીયા, કેસુરભાઈ ભાટીયા, સજુભા જાડેજા, જયદેવસિંહ, સુનિલભાઈ, નરશીભાઈ, મસરીભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.