હાલમાં સૌરાષ્ટ્ર સહિત જિલ્લાના પશુઓ જોવા મળી રહેલ લમ્પી રોગના નિયંત્રણ લાવવા માટે તા. 21 જુલાઇના રોજ કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, જામનગર ખાતે સમિક્ષા બેઠક કરવામાં આવેલ જેમાં પશુપાલન નિયામક, ગુજરાત રાજય, ગાંધીનગર, વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ, કમિશનર જામનગરની વિશેષ ઉપસ્થિતિ રહેલ. આ બેઠકમાં મંત્રી દ્વારા મહામુલા પશુધનને બચાવવા માટે યુધ્ધના ધોરણે આ રોગના સર્વે, સારવાર અને રસીકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ તેમજ પશુપાલકોમાં રોગ અંગેની જાગરુકતા માટે પ્રચાર-પ્રસારની કામગીરી વધુ વેગવંતી બનાવવા સૂચના આપવામાં આવી હતી.
હાલની સ્થિતિએ જામનગર જિલ્લાના 6 તાલુકાઓના કુલ 162 ગામોમાં 2060 ગાય-ભેંસ વર્ગના પશુઓમાં લમ્પી સ્કીનનો રોગ જોવા મળેલ છે. આ તમામ પશુઓને તાત્કાલિક જરુરી સારવાર આપવામાં આવેલ છે અને અત્યાર સુધી કુલ 26 પશુઓના મરણ નોંધાયેલ છે. અસરગ્રસ્ત ગામમાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 45,930 પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે તેમજ વધુ રસીનો જથ્થો અને જરૂરી દવાઓ ખરીદ કરવા કાર્યવાહી ચાલુ છે.
હાલમાં પશુપાલન ખાતાના 11 પશુચિકિત્સા અધિકારીઓ, 15 પશુધન નિરિક્ષકોઅને 19 આઉટસોર્સ્ડ પશુચિકિત્સક વાહનો સાથે તથા ડેરી સંઘ તથા સ્થાનિક સ્વૈછિક સંસ્થાઓના સહયોગથી સઘન સર્વે, સારવાર, રસીકરણની કામગીરી પ્રગતિમાં છે. જેથી તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય.
આથી તમામ પશુપાલકોને પશુમાં આ રોગના ચિન્હો દેખાય કે તરત પશુના સારવાર અને રસીકરણ માટે ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરવો અથવા જિલ્લાના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો. રોગીષ્ટ પશુને તાત્કાલિક અલગ કરવા અને પશુઓના રહેઠાણના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અને પશુમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને ખોરાક જળવાઇ રહે તે માટે પશુ ચિકિત્સકની સલાહ મુજબ ઘરગથ્થુ માવજત કરવા સલાહ છે. સાથોસાથ અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની સરકારની કામગીરીમાં સાથ અને સહકાર આપવા અનુરોધ છે.