Saturday, December 21, 2024
Homeરાજ્યશિક્ષણ સંકટમાં : સૌરાષ્ટ્ર યુનિ.એ શિક્ષણ વ્યવસ્થાને પેચીદી બનાવી મૂકી !

શિક્ષણ સંકટમાં : સૌરાષ્ટ્ર યુનિ.એ શિક્ષણ વ્યવસ્થાને પેચીદી બનાવી મૂકી !

શિક્ષણના ક્ષેત્રમાં બની બેઠેલાં આગેવાનોના કદ વામણાં પૂરવાર થયા

- Advertisement -

- Advertisement -

સરળ એવી શિક્ષણની વ્યવસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેલા રાજકારણે પેચીદી બનાવી દીધી છે. જેના કારણે આઘાત સાથે અશ્ચર્ય પમાડે એવા નિર્ણયો લેવાઈ રહ્યા છે. કરાર આધારિત પ્રાધ્યાપકોની ભરતી પ્રક્રિયા રદ કરાયા બાદ આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં તેમનું રીન્યુઅલ નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. આગામી સમયમાં કરાર આધારીત પ્રાધ્યાપકોની ભરતી કઈ રીતે કરવી તેનો નિર્ણય કરવા કમિટીની રચના કરાઈ હતી. દલા તરવાડીની વાર્તા જેવું આશ્ચર્ય છે કે મળતીયા ઉમેદવારોને ગોઠવવાની ભલામણ કરનાર મોટાભાગના સિન્ડિકેટ સભ્યો જ આ કમિટીના મેમ્બર છે !

બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યે મળેલી સિન્ડિકેટની બેઠક બપોરે ત્રણેક વાગ્યા પહેલા પુરી થઈ હતી. જેમાં શરૂઆતમાં જ સિન્ડિકેટ સભ્ય ડો. હરદેવસિંહે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં ફસાયેલી રહે છે. નીતિમત્તાના પાઠ ભણાવો છો અને નીતિ નિયમો નેવે મુકો છો, તમારે નૈતિક રીતે રાજીનામું આપી દેવું જોઈએ. જોકે ભલામણ કાંડમાં સંડોવાયેલા તમામ સિન્ડિકેટ સભ્યો નીચું માથું કરીને સાંભળવા સિવાય કોઈ પ્રત્યુત્તર આપી શક્યા ન હતા.

- Advertisement -

દરમિયાન સિન્ડિકેટની બેઠક આગળ વધી ત્યારે જ બહુમતિ સિન્ડિકેટ સભ્યોએ નક્કી કર્યું કે ભલામણના ક્રીન શોટ કોણે વાયરલ કર્યા એ ચર્ચામાં પડવું નથી. જેમણે આ કર્યું તેનાથી યુનિવર્સિટીની આબરૂ ખરડાઈ છે અને અધ્યાપકોને નુકસાન થયું છે. આ નક્કી કરીને એજન્ડા પ્રમાણે આગળ વધતા છેવટે સૌથી ચકચારી બનેલા પ્રધ્યાપકોની ભરતી સંદર્ભે કાઉન્સિલ સાથે જોડાયેલા ચાર કોર્સ જેવા કે ફાર્મસી, એમપીએડ, એમબીએ સિવાયના ભવનોમાં પ્રાધ્યાપકોની ટર્મ પૂરી થયા બાદ રીન્યુઅલ નહીં કરવાનો નિર્ણય કરાયો હતો. અલબત્ત, તેમના રીન્યુઅલના નીતિ-નિયમો, પ્રાધ્યાપકોની સંખ્યા વગેરે નિર્ણય કરવા સિન્ડિકેટ સભ્યોની કમિટી બનાવાઈ હતી. આ કમિટીમાં મોટાભાગના એવા સિન્ડિકેટ સભ્યો છે, જેમણે મળતીયા ઉમેદવારોને સમાવવા બીજેપી વોટસ્એપ ગ્રૃપમાં ભલામણ કરી હતી.

સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયાએ યુજીસી ઓર્ડિનન્સનો હવાલો આપીને સ્ટુડન્ટ-ટીચર રેશીયો મુજબ કરાર આધારિત 88 પ્રાધ્યાપકોની ભરતી થઈ ન શકે તેમ જણાવ્યું હતું. આ અંગે કેટલાક નિષ્ણાંતો જણાવે છે કે યુજીસીના ઓર્ડિનન્સ મુજબ યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની સંખ્યાના 10 ટકા સુધી જ કરાર આધારિત પ્રાધ્યાપકોની ભરતી થઈ શકે પરંતુ તે કરાર આધારિત પ્રાધ્યાપક ને પૂર્ણ પગાર ચૂકવવાનો હોય તો. સૌરાષ્ટ્ર યુનિ.માં કરાર આધારીત પ્રાધ્યાપકોને પૂર્ણ પગાર ચૂકવાતો નથી, વધુમાં આ પ્રકારની કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં કોઈ સીધા નીતિ-નિયમો લાગુ પડતા નથી.

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂનું ધોવાણ છાશવારે થાય છે તેના સંદર્ભમાં કેમ્પસમાંથી એક વાત એવી જાણવા મળી છે કે યુનિવર્સિટી શિક્ષણ સંસ્થા છે. સિન્ડિકેટ સભ્યોએ તેની સર્વોચ્ચ બોડી છે પરંતુ વર્તમાન 14 જેટલા સિન્ડિકેટ સભ્યોમાંથી ડો. રામાનુજ, ડો. ચૌહાણ, ડો. કાલરીયા, ડો.પરમાર, ડો. દક્ષાબેન વગેરે માત્ર 6થી 7 સભ્યો અધ્યાપક છે. જેથી સંસ્થાના વિવાદોને કારણે બધા સભ્યોનું દિલ દુ:ખતું નથી અને જ્યાં સુધી સંસ્થાના વિવાદોની પીડા સભ્યો કે સત્તાધીશોના હૃદય ન અનુભવે ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહી શકે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે ચાલી રહેલી સિન્ડિકેટની બેઠકમાં અંદર જવાની માગ સાથે એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી હંગામો મચાવ્યો હતો. એબીવીપીએ આત્મીય કોલેજના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવી, અંગ્રેજી ભવનના અધ્યાપક જયદીપસિંહ ડોડીયાને કોઈ સમિતીમાં સ્થાન ન આપવા સહિતના બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. સિન્ડિકેટ સભ્ય ડો. નેહલ શુક્લ, ડો. રાજેશ કાલરીયાની દરમિયાનગીરીથી મામલો થાળે પડયો હતો. વિદ્યાર્થી કાર્યકરોના આક્રમક વલણથી સિન્ડિકેટ સભ્યો અચંબિત થઈ ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular