દ્વારકામાં રહેતા એક યુવાનની ઓનલાઈન લોન મંજુર કર્યા બાદ આ અંગે ઠગાઈ આચરી, પરપ્રાંતિય જેવા જુદા-જુદા પાંચ મોબાઈલ નંબરધારક શખ્સો દ્વારા આ યુવાનના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને રોકડ રકમ કઢાવી લેવા અંગેનો ગુનો દ્વારકા પોલીસ મથકમાં નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં રહેતા 20 વર્ષના એક યુવાનના એન્ડ્રોઇડ મોબાઇલમાં અજાણતા ડાઉનલોડ થયેલી ક્રેડિટ નાઉ નામની એપ્લિકેશન ખોલીને જોતા આ લોન એપ્લિકેશન મારફતે તેમની લોન મંજૂર થઈ હોવાનું જણાવી, તેના બેન્ક ખાતામાં ચોક્કસ રકમ જમા થઈ હતી. જે અંગેની પ્રોસેસિંગ ફી પણ એડવાન્સમાં કાપી લેવામાં આવી હતી.
ત્યારબાદ તેમના વોટ્સએપ નંબર ઉપર જુદા-જુદા +62, +92, +88, +85 થી શરૂ થતા જુદા જુદા પાંચ નંબર ઉપરથી ફોન આવતા હતા. સામેથી હિન્દીભાષી એવા શખ્સો દ્વારા આ યુવાનને તેમની લોન ક્લોઝ કરવાનું કહેતા સામાન્ય એવી આ રકમ તેણે પે-ટીએમ મારફતે જમા કરાવી દીધી હતી.
ત્યારબાદ પણ લોન અંગે આ નંબરોમાંથી અવારનવાર ફોન આવતા હતા અને આ યુવાનના ન્યુડ ફોટા ફેસબુક, વોટ્સએપ તથા ઈન્સ્ટાગ્રામમાં તેમના તેના સગા-સંબંધીને મોકલી આપવાની ધમકી આપી, આ યુવાન પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા 61,000 કઢાવી લેવામાં આવ્યા હતા. આ પછી પણ પરેશાન કરવામાં આવતા આખરે કંટાળીને આ યુવાને પોલીસનો સંપર્ક કર્યો હતો અને ચોક્કસ નંબર ધરાવતા પાંચ શખ્સો સામે આ યુવાનના ફોટા ન્યૂડ ફોટા વાયરલ કરી અને બળજબરીપૂર્વક પૈસા કઢાવી લઈ અને વધુ પૈસાની માંગણી કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 384 તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની વધુ તપાસ સાયબર સેલના પી.આઈ. એ.એમ. પટેલ ચલાવી રહ્યા છે.