Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકા પોલીસ માટે ગૌરવરૂપ "પલક” ડોગની બદલી

દ્વારકા પોલીસ માટે ગૌરવરૂપ “પલક” ડોગની બદલી

પાંચ વર્ષના ફરજકાળ દરમ્યાન અનેક મેડલ મેળવ્યા : પોલીસ વિભાગ દ્વારા વિદાયમાન અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડ વિભાગમાં છેલ્લા પાંચ વર્ષથી અવિરત રીતે ફરજ બજાવી અને પોલીસ માટે વિવિધ રીતે સહાયભૂત થવા ઉપરાંત અનેક મેડલ મેળવનારી પલક (ડોગ)ની બદલી વલસાડ ખાતે બદલી થતાં પોલીસ અધિકારીઓ તેમજ ટીમ દ્વારા આ ડોગને ભવ્ય વિદાયમાન અપાયું હતું.

- Advertisement -

અહીંના પૂર્વ એ.એસ.આઈ. આલમશા શાહમદાર કે જે થોડા સમય પહેલાં અવસાન પામ્યા છે. તેમના હસ્તકના આ ડોગ પલકને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડોગ સ્ક્વોડમાં વર્ષ 2020માં સ્થાન આપવામાં આવ્યું હતું. આશરે બે-અઢી વર્ષની ઉંમરથી જિલ્લા ડોગ સ્ક્વોડમાં મુકવામાં આવેલી પલકને વર્ષ 2022ના સમયગાળા દરમિયાન થયેલી એક હત્યાના કેસમાં પોલીસને નોંધપાત્ર માર્ગદર્શન મળ્યું હતું અને આ ડોગએ પોલીસને આરોપીના ઘર સુધી પહોંચાડી, ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ કરી હતી.

આ ઉપરાંત વર્ષ 2020 થી 2025 સુધીમાં વિવિધ પ્રકારની ચોરી, લૂંટ, હત્યા વિગેરે કેસમાં પલકનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. આટલું જ નહીં, પલક ડોગ ઓલ ઇન્ડિયા ડ્યુટીબિટ જેવા ગૌરવરૂપ કાર્યક્રમમાં તેમજ અમદાવાદ ખાતેના કાંકરિયા કાર્નિવલમાં, વર્ષ 2023માં ગીર સોમનાથ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી વિગેરે કાર્યક્રમમાં પણ પલકે સહભાગી થઈ અનેક એવોર્ડ પણ જીત્યા છે.

- Advertisement -

હાલ આશરે સાત વર્ષની ઉંમરની પલકની વલસાડ જિલ્લા ખાતે ડોગ સ્ક્વોડમાં તાજેતરમાં બદલી થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી વી.પી. માનસેતા, પી.એસ.આઈ. તેમજ ટીમની ઉપસ્થિતિમાં પલકને હારતોરા કરી, મીઠું મોં કરાવીને ભાવભરી રીતે વિદાયમાન અપાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular