દ્વારકા જિલ્લામાંથી રાજકોટના તસ્કરને એલસીબીની ટીમે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતાં રાજકોટના તસ્કરે 49 ચોરીઓની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામમાં રહેતાં નટુભા બનેસંગ જાડેજા ગત 30 જુનના રોજ ખંભાળિયાથી બસમાં આવતાં હતાં અને આરાધનાધામ પાસે ઉતરતા હતા તે દરમ્યાન તેમના ખિસ્સામાંથી રૂા.9000ની રોકડની ચોરી થઇ હતી. આ ચોરી આચરનાર તસ્કર અંગેની એલસીબીના એએસઆઇ સજુભા જાડેજા, હેકો.જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા સુનિલ જોષીની સુચનાથી પો.ઇન્સ. જે.એમ.ચાવડા, પીએસઆઇ એસ.વી.ગળચર, પી.સી.શીંગરખીયા, એએસઆઇ સજુભા જાડેજા, અજીત બારોટ, વિપુલ ડાંગર, ભરત ચાવડા, નરસી સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હે.કો. અરજણ મારૂ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મસરી આહીર, બોઘા કેશરીયા, લાખા પિંડારીયા, જીતુ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખ કટારા, પો.કો.વિશ્ર્વદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રાજકોટમાં સિતારામ સોસાયટી શેરી.નં.5માં રહેતાં સંજય ઉર્ફે ગીડો બટુક દેત્રોજા નામના તસ્કરને દબોચી લઇ તેની પાસેથી 9000ની રોકડ કબ્જે કરી હતી.
એલસીબીની ટીમ દ્વારા સંજયની પુછપરછ હાથ ધરતાં જામનગર, મોરબી, વાકાનેર, સુરેન્દ્રનગર, ગોંડલ, પોરબંદર, જેતપુર, જસદણ, બોટાદ, ચોટીલા, જામજોધપુર, બગસરા, મહુવા, કાલાવડ સહિતના બસ સ્ટેન્ડોમાંથી અને ચોટીલા, સોમનાથ તથા દ્વારકાના મંદિરોમાં આવતાં લોકોના ખિસ્સામાંથી કુલ 49 જેટલી ચોરી આચર્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે તસ્કરને વાડીનાર મરીન પોલીસને સોંપવા કાર્યવાહી આરંભી હતી.
સૌરાષ્ટ્રભરમાંથી ખિસ્સા કાતરનાર તસ્કરને ઝડપી લેતું દ્વારકા એલસીબી
આરાધનાધામ પાસેથી બસના મુસાફરનું ખિસ્સું કાતર્યું: ખંભાળિયા અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાંથી 49 ચોરીની કબુલાત