હાલારમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર માટે દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે. આ કોરોનાના દર્દીઓ કોરોનાને હરાવ્યા બાદ કોરોના મુક્ત થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવે ત્યારે અલગ અલગ તાલુકા અથવા ગ્રામ્ય કક્ષાએ જતાં સમયે મુશ્કેલી પડતી હોય તેમની મુશ્કેલી દૂર કરવા દ્વારકા પોલીસ વડા સુનિલ જોશી તથા ડીવાયએસપી સમિર સારડા સહિતના સ્ટાફ દ્વારા પોલીસ વિભાગની એમ્બ્યુલન્સ આ દર્દીઓને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ પહોંચાડવા સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધા બાદ કોરોના દર્દીની તબિયત સારી થતાં કોરોના મુક્ત દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવે ત્યારે અલગ અલગ તાલુકા-ગ્રામ્યકક્ષાએ જવાનું થતું હોય છે. પરંતુ હાલમાં વાહનોની અછતમાં તેમને ટ્રાવેલિંગની મુશ્કેલી પડતી હોવાનું દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીને ધ્યાનમાં આવતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા નક્કી કર્યું હતું. જેને ધ્યાને લઇ પોલીસ વિભાગના એમ.ટી. સેકશનની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવા તૈયારી કરાઇ હતી.
આ એમ્બ્યુલન્સમાં કોવિડ-19ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી અને ખંભાળિયા સિવિલ હોસ્પિટલથી ડિસચાર્જ થયેલા પૈકી સરેરાશ અંદાજે 10 થી 12 દર્દીઓને વિનામૂલ્યે સેવા આપી તેમના રહેણાંક સુધી પહોંચાડવા આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એમ્બ્યુલન્સ મારફતે દર્દીઓને સલામત રીતે તેમના રહેણાંક ઉપર પહોંચાડયા બાદ એમ્બ્યુલન્સને કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ યોગ્ય રીતે સેનેટાઇઝ પણ કરવામાં આવે છે. જેથી તેમાં મુસાફરીથી કોઇપણ જાતનું સંક્રમણ ફેલાવાની શકયતા રહે નહીં. આ ઉપરાંત દર્દીને ડિસચાર્જ થયા બાદ મુકવા જતી વખતે દ્વારકા પોલીસ દ્વારા ચા-પાણી તેમજ નાસ્તો કરાવવામાં આવે છે. તેમજ સાથે લઇ જવા માટે પાણીની અલાયદી વ્યવસ્થા પણ પુરી પાડવામાં આવે છે.
આ સેવા કાર્યનું આયોજન અને જહેમત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી સમિરભાઇ સારડા, પીઆઇ એન.જે. ઓડેદરા, વી.વી. વાગડીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. કોરોના મહામારીના સમયમાં કોરોનાને હરાવનાર દર્દીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની આ માનવતાંભરી કામગીરીને પ્રજાજનો પણ આવકારી પોલીસની પ્રશંસા કરી રહ્યાં છે.
દ્વારકા જિલ્લા પોલીસની માનવતાંભરી સેવા: કોરોનામુક્ત દર્દીઓને ઘરે પહોંચાડવા એમ્બ્યુલન્સ ફાળવાઇ
દર્દીઓને મુકવા જતી વખતે ચા-પાણી તથા નાસ્તો સહિતની સુવિધા પુરી પડાઇ


