વેરાવળના તબીબ અતુલ ચગની આત્મહત્યાને લઇ લોહાણા સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ અંગે કડક કાર્યવાહીની રજૂઆત અર્થે આજરોજ જામનગર લોહાણા સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રઘુવંશી સમાજને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
સૌરાષ્ટ્રના જાણીતા શહેર એવા વેરાવળ મુકામે વર્ષોથી ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતાં નામાંકિત અને સેવાભાવી ડો. અતુલ ચગે આપઘાત કરતાં અને આ આપઘાતના બનાવ પાછળ વિવિધ વ્યક્તિઓની સંડોવણી હોવાનું બહાર આવતાં સમગ્ર સૌરાષ્ટ્રનો લોહાણા સમાજમાં રોષની લાગણી પ્રવર્તિ છે અને સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ છે.
ડો. અતુલ ચગ સૌરાષ્ટ્રના નામાંકિત હાર્ટ સ્પેશ્યાલીસ્ટ અને ગરીબો માટે ભગવાન સમાન હતાં. કોરોનાકાળમાં પણ ડો. ચગે હજારો દર્દીઓની નિ:શૂલ્કમાં સારવાર કરીને પોતાનો માનવ ધર્મ નિભાવ્યો હતો. ડો. ચગ સમગ્ર ગિરપંથકમાં લોકપ્રિય હતાં. આ ઘટના બનતાં સમગ્ર સૌરાષ્ટ્રનો લોહાણા સમાજ રોષે ભરાયેલ છે અને જામનગર લોહાણા સમાજ દ્વારા પણ ઉપરોક્ત બાબતે જવાબદાર સામે કડક હાથે કાનૂની કાર્યવાહી કરી તેઓની ધરપકડ કરવા માટેની રજૂઆત કરવા આજરોજ તા. 14ના રોજ રાત્રે 9 કલાકે શેખર માધવાણી હોલ, વિભાજી હાઇસ્કૂલ સામે, જામનગર શહેરના લોહાણા સમાજે તેમજ સમાજની વિવિધ સંસ્થાઓ, સંગઠનો, યુવક મંડળો, મહિલા મંડળો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત થવા જામનગર લોહાણા મહાજન મંત્રી રમેશ દત્તાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.