વર્તમાન સમયમાં આખી દુનિયા ક્લાઈમેટ ચેન્જના કારણે હવામાનની ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહી છે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે માણસ અત્યારે તેની જ ભૂલોનું પરિણામ ભોગવી રહ્યો છે. અત્યારે પૃથ્વી પરનું વાતાવરણ દરેક માટે ચિંતાનું કારણ બન્યું છે. અત્યંત વિપરિત હવામાનના કારણે પૃથ્વી પર ક્યાંક હીટવેવના કારણે જંગલોમાં વારંવાર દાવાનળ સર્જાય છે તો ક્યાંક દુષ્કાળને પગલે પાકનો નાશ થઈ રહ્યો છે તો ક્યાંક મૂશળધાર વરસાદના કારણે પૂરે આફત મચાવી છે. દુનિયાની જેમ જ કેટલાક દેશોમાં એક જ સમયે અલગ અલગ વિસ્તારોમાં એકદમ વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે. દુનિયાના વાતાવરણ પર નજર કરીએ તો હાલ ચીનના દક્ષિણ પ્રાંતમાં ભયાનક ગરમી પડી રહી છે. દક્ષિણ ચીનના શિશુઆન, ફુજિયાન પ્રાંતના વિસ્તારો સતત 11 દિવસ કરતાં વધુ સમયથી હીટવેવનો સામનો કરી રહ્યા છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે નદીઓનું જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે.ભારતનો પડોશી દેશ પાકિસ્તાન પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને પૂરના કારણે બેહાલ છે. અહીં બલુચિસ્તાનથી લઈને ગિલગિટ બાલ્ટિસ્તાન સુધીના બધા જ રાજ્યો પૂરની આફતનો સામનો કરી રહ્યા છે. અહીં સ્થિતિ એ થઈ છે કે ભાર વરસાદ અને પૂરના કારણે આખા પાકિસ્તાનમાં 50થી વધુ લોકોનાં મોત થયા છે. મૂશળધાર વરસાદને કારણે આવેલા પૂરથી અનેક ગામો તણાઈ ગયા છે તથા તેમનો દેશના અન્ય ભાગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.