જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીકથી પસાર થતા ટ્રકના ચાલકે આગળ જતાં ટ્રકને ઓવરટેક કરતી વેળાએ પાર્ક કરેલા ટ્રકની પાછળથી ઘૂસી જતાં ચાલકનું શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં રહેતા અને મોટી બાણુગાર ગામનાં ટ્રાન્સપોર્ટર રાજેશ રામજીભાઈ ભેંસદડિયાને ત્યાં ટ્રકચાલક તરીકે ફરજ બજાવતા ગોપાલગીરી ઈશ્ર્વરગીરી ગોસ્વામી નામનો યુવાન તેનું જીજે-10-ટીએકસ-7956 નંબરનો ટ્રક લઇ રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર ફલ્લા ગામ નજીકથી પસાર થતો હતો તે દરમિયાન આગળ જતાં એક ટ્રકને ઓવરટેક કરવા જતા સમયે ગોપાલગીરી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડ પર પાર્ક કરેલા જીજે-10-ટીએકસ-8586 નંબરના ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રકચાલક ગોપાલગીરી ગોસ્વામીના ટ્રકની કેબિન દબાઈ જતાં ચાલક ગોપાલગીરીને શરીરે અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની રાજેશભાઈ ભેંસદડિયા દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફલ્લા નજીક ઓવરટેક સમયે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાલકનું મોત
ઓવરટેક સમયે કાબુ ગુમાવ્યો : પાર્ક કરેલા ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત