દ્વારકા નજીકના નાગેશ્વર રોડ ઉપર શુક્રવારે બપોરે મુસાફરો સાથેની એક મોટરકાર અકસ્માતે પલટી જતા તેમાં સવાર કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.
આ કરૂણ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા નજીકના નાગેશ્વર રોડ ઉપર આવેલી એક ગૌશાળા પાસેથી ગઈકાલે શુક્રવારે બપોરે આશરે સવા ત્રણ વાગ્યે પસાર થઈ રહેલી જી.જે. 03 કે.એચ. 6998 નંબરની ટોયોટા કંપનીની ઇનોવા મોટરકાર એકાએક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતના કારણે મોટરકારમાં સવાર ચાર મુસાફરો પૈકી કાર ચાલક એવા મૂળ રાજસ્થાન રાજ્યના જોધપુરના વતની લક્ષ્મણભાઈ રામભાઈ જોશી (ઉ.વ. 52, રહે. હાલ બાવાવાળા પરા, જેતપુર, જિ. રાજકોટ)નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે આ કારમાં જઈ રહેલા હાર્દિકભાઈ કિશોરભાઈ રૂપલ, ભાવેશભાઈ સી. મજીઠીયા અને જયેશભાઈ બાબુભાઈ ધામેલીયા ને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થતા સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ ઇમર્જન્સી 108 ને કરવામાં આવતા 108 ના ઇએમટી સતિષભાઈ બાંભણિયા અને પાયલોટ રોહિતભાઈ કામરીયા તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘવાયેલાઓને તાકીદની સારવાર અપાવી હતી.
આ બનાવ અંગે કારમાં જઈ રહેલા જયેશભાઈ ધામેલીયા (ઉ.વ. 31, રહે બાવાવાળા પરા, જેતપુર) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે મૃતક કારના ચાલક લક્ષ્મણભાઈ જોશી સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
રસ્તા પર જઈ રહેલી મોટરકારમાં યાંત્રિક ક્ષતિ સર્જાતા આ કાર પલટી ખાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે દ્વારકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.